પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આસન નથી. હિંંદીઓએ પણ એ પારકી ચાટેલી એઠ છે.

એ કલઠાંઈ ઉપર એક પણ બરમો બેઠો નથી. હિંદીઓ આવી આવીને બેસતા ગયા. શેઠિયાઓનાં કુટુંબોએ ખુરશીનાં આસનો રોક્યાં. સાદડીઓ પર સૌની સાથે બેસતાં તેમને નાનમ લાગી.

હેમકુંવરની સાથે ડો. નૌતમ દાખલ થયા ત્યારે વ્યવસ્થાપક આવીને એને કલઠાંઈવાળું સ્થાન બતાવી ગયો. "આઈયે આઈયે, ડોક્ટર!" શેઠિયાઓએ સાદ કર્યો.

"ના રે ના, આંહીંયે પાછા જુદા ને જુદા તરી નીકળવું? અમે તો ત્યાં સૌની સાથે જ બેસશું."

એમ કહીને એ તો આગળ ચાલ્યા, ને શામજી શેઠે ટકોર કરી: "આ ખુરશી ઉપર દાક્તરાણી સમાય પણ નહીં ના, બાપા!"

એમની પાછળ ભાઈ મનસુખલાલનો પરિવાર હતો. મનસુખલાલ ગુજરાતી, અને પત્ની બર્મી. સાથે યુવાન પુત્રી હતી.

શાંતિદાસે કહયું: "આ મનસુખલાલે તો રહી રહીને વીસ વર્ષે જતું પરણેતર જાહેર કર્યું."

"તો આટલાં વર્ષ શું રખાત તરીકે રાખેલી?" બીજાએ પૂછ્યું.

"એમ જ ના?" "ના એ ના, રીતસર ગૃહિણી જ છે. માત્ર લગ્નવિધિ નહીં કરેલ."

"દેશમાં એને પરણેલ સ્ત્રી છે?"

"નહીં."

"ત્યારે પછી રખાત કેમ કહેવાય?"

"લગ્ન તો કરેલ નહીં ને! પણ હવે દીકરી સાંઢડો થઈ, પરણાવવી જોશે, એટલે લગન જાહેર કર્યું."

"આ રહ્યા મુરતિયા!" પાછળ ચાલ્યા આવતા એક યુવકને જોઈ શામજી શેઠ બોલ્યા. એ યુવક હતો રતુભાઇ: રંગૂનની ચાવલ મિલો છોડીને આખરે પાછા ફરી વાર એણે પીમનામાં સોના-ઝવેરાતનું પોતાનું જૂનું ક્ષેત્ર હાથમાં લીધું હતું.