પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"પણ ફુંગીઓ વીફર્યા છે, હો ભાઈ! આ નાચણવેડા સામે એમની આંખ ફાટી છે."

"તઢીંજ્યુનું પ્રદર્શન જોયું ને?"

તઢીન્જ્યુ એટલે દિવાળી. આપણી દિવાળી કરતાં પંદર દિવસ વહેલો આવતો બ્રહ્મદેશનો દીપોત્સવ. તઘુલામાં જેવા તોરથી તેઓ પાણી ઉડાડે તેટલા જ તોરથી પાગલ બનીને બર્મા તઢીંજ્યુમાં દીવા જલાવે. કાગળનાં ફાનસો, અંદર જલે દીવા, અને અંદર દીવા ફરતી કંઈક પશુપંખીની રચના કરી હોય. નદીમાં પણ દીવાનાં મોટાં સૈન્યો તરે.

"શું છે એ પ્રદર્શનમાં?"

"બાવલાં બનાવ્યાં છે. એમાં એક સ્ત્રી પરી થઈને આકાશમાં ઊડી જાય છે ને પાછળ પાંચ છોકરાં પૃથ્વી પર ટળવળે છે. બાવલા પર લખ્યું છે: નાચણવેડાનું પરિણામ!"

"માળો રતુ પણ પક્કો લાગે છે હો!"

'કાં?" "ઓલી મનસુખલાલની બર્મી છોકરી બહાર ગઈ, પણ, પોતે ઊઠ્યો નથી હજી.

"આપણને જોઇને, બાકી તો ગોઠવાઇ ગયો લાગે છે."

એટલામાં નવું નૃત્ય ચાલુ થયું.

ઇન્દ્ર બનેલો ફો-સેંઈ કુમાર પાછો આવ્યો. ઇન્દ્રનો કોઇ ખાસ વેશ નહીં, માત્ર નવરંગી લુંગી. એંજી ને ઘાંઉબાંઉ બદલેલ, પરંતુ ઇન્દ્ર રૂપે ઓળખાય વધુ આભૂષણોથી. ઝાઝે હીરે ઝળકતી વીંટીઓથી ભરેલા હાથનાં આંગળાં, હીરે જડેલ બટનથી મઢેલી છાતી: બસ આટલા જ્યોતિકણો એને સર્વ પાત્રોથી જુદો પાડવા માટે પૂરતા હતા. અને એને સર્વની ઉપર લઈ જનાર તો એનું રૂપ હતું એનું નૃત્ય હતું.

"એક વિદુષક પણ જોડાજોડ હતો. (આપણાં નાટકોના રાજાની પાસે પણ એ જ રહેતો, આપણી ભવાઈનાં મુખ્ય પાત્રો પાસે પણ એ ડાગળારૂપે હતો. અને આપણામાંના નરોત્તમોની નજીક સાચા જીવનમાં