પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


આવતો હતો ! ઘેર પહોંચીને થોડી નિરાંત વળી, પતિ ઊંઘતો હતો. બારણું ઉઘાડીને પાછો પતિ તો ઘસઘસાટ નસકોરાં ખેંચવા લાગ્યો. નીમ્યાએ માન્યું કે નહીં નહીં, આ તો ન હોય એ કામો કરનારો ! એવું કર્યા પછી ઉંઘ આવે કદી?

તોપણ મન ન રહ્યું. માંઉ-પૂને ઢંઢોળીને જગાડ્યો. પેલા ખૂનની વાત કરી. પતિ તો સાંભળતો સાંભળતો પાછો ઘોંટવા મંડ્યો. ફરી ઢંઢોળી, ચૂમી ભરી, પૂછ્યું: 'કહો તો ખરા ! તમે તો નથી કર્યું ને!" જવાબમાં એ, જરાક હસીને પાછો ઊંઘવા લાગ્યો. નીમ્યા સમજી ગઈ, અંદરથી કંપી ઊઠી. પણ ઘૂંટડો પી ગઈ, બસ વાત એટલેથી જ પતી ગઈ. બર્મી પોલીસે પણ આ ખૂનને ગાજર કે ચીભડું સમારવા કરતાં કશી જ વધુ મહત્તા આપી નહીં.

એ ખૂન અણપકડાયું જ રહ્યું. પણ તે પછી માંઉ-પૂ વધુ ને વધુ એદી બનીને બેસી રહેવા લાગ્યો; પરસાળમાં ચટાઈ પર પડ્યો પડ્યો સેલે ફૂંક્યા કરે, એનાં ધૂમ્રગૂંચળાંમાં અનેક સર્પાકારો, સિંહાકરો, હાથી-મોરલાના આકારો કલ્પી કલ્પી ઘેનઘેરી આંખોએ નિત્ય નિહાળ્યા જ કરે. ને એ કોઈને પૂછે કે તમે ક્યાં જાઓ છો ને શું કરો છો, ન કોઈ એને કહે કે તું કંઈક ધંધે લાગ. બુઢ્ઢી હજી પણ મચ્છી વેચવા જતી હતી. બુઢ્ઢો પણ પારકી રાખેલી થોડી-સી જમીનમાં કમોદનું વાવેતર કરાવવા જતો હતો. ને નીમ્યા બાળકને પીઠ પર બાંધી લઈ બજારે જતી. પોતે ટાઢતડકો વેઠતી, નબળાઈના સાંધા દુખતા, પોષણ તો કેવળ ભાત મચ્છીનું જ હતું, છતાં દુઃખ કે પીડા શી ચીજ છે તેનો વિચાર કરવા બેસવાનો તો આ બ્રહ્મી સ્ત્રીમાં સંસ્કાર જ નહોતો. પતિ અપાંઉ-શૉપમાં જઈ કઈ ચીજ ગીરો મૂકી આવ્યો છે તેનો પ્રશ્ન એ કરતી નહીં. પતિ ક્યાં જાય આવે છે તેની નજરે એ રાખતી નહીં. પતિ નવી લુંગી-એંજીના કે ઘાંઉબાંઉના પૈસા ક્યાંથી કાઢે છે એ પણ પૂછતી નહીં. રાતે પતિને મોડા ઘેર આવવાની ટેવ પડી, તો તે પણ એણે સ્વાભાવિક જ સમજી લીધું. રાતના બે કે ત્રણ બજ્યે આવીને એ બારણું ઠોકતો