પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અંદરથી પાંચેક દળદાર ચીરિયાં પડે, એમાંથી નાની પેશીઓ પડે, અને એનો પીળો ગરભ અમૃતનો આસ્વાદ આપે. એની સોડમ ઘણાને ખરાબ લાગે છે, પણ એ તો બ્રહ્મદેશીઓના ઘેનઘેરા લહેરી સ્વભાવને વધુ ઘૂંટી આપતી માદક સોડમ છે.

આવું મીઠું ને મોંઘુ દુરિયાન અનેક માણસો ખરીદી ખરીદી રાત્રીને ઠંડે પહોરે ખાતાં હતાં. તે વખતે એક માણસ થોડે દૂર ઊભીને ટરપરટોયાં મારતો હતો.

એને પણ દુરિયાન લેવું હતું. એ ગજવું તપાસતો હતો. એણે પૈસા ગણ્યા. પાસે આઠ જ આના હતા.

"ધી દુયેન્દી ભેઝેલે?" એણે ચીના પાસે જઈ દુરિયાનનો ભાવ પૂછ્યો.

"તૌ-મા." ચીનાએ તોરથી બાર આનાની કિંમત કહી.

"પણ આ તો નાનું છે. આઠ આને આપીશ?"

"ત્વા ત્વા, મીં મસા નાઈબુ! (જા જા હવે, તું દુરિયાન ખાઈ રહ્યો!) ભરો મા કયી ભૂદલા?" (કોઈ દિવસ ભાળ્યું છે દુરિયાન)

"શું કહે છે?" ઘરાકની ખોપરી ફાટી. "આ દુરિયાન મારી બ્રહ્મદેશની પેદાશ. અને તું ચીનો ઊઠીને મને એમ પૂછી શકે કે મેં દુરિયાન ભાળ્યું છે!" એમ કહેતાક ને ઘરાકે દુરિયાન ઉપાડી ચીનાના નાક પર ઝાપટ્યું. ચીબલો ચીનો વધુ ચીબો બન્યો, કાંટાળા દુરિયાને એના નાક-મોં ચીરી નાખ્યા. મારનાર ઘરાક ઘડીપલમાં પલાયન થઈ ગયો અને ઘેર જઈ એણે સાદ પાડ્યો: "નીમા.....એ!"

"શિંય!" પ્રલંબિત ઉચ્ચારણવાળો અદભૂત મીઠો 'જી'કાર પ્રાસ પુરાવતો સામે સંભળાયો.

સો સો દુરિયાનો પણ એ 'શિંય'ની મીઠાશને પૂરી પાડવા અશક્ત હતાં.

છતાં માંઉ-પૂનું મન હજુય ઝંખતું હતું કે પોતે નીમ્યાને માટે દુરિયાન ન લાવી શક્યો!