પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭
પતિ પલાયન

રોજની માફક એક બીજી મધરાતનો સાદ: "નીમ્યા એ..."

રોજની માફક મેડી પરથી એનો પડઘો: "શિંય!"

અને રોજની માફક મેડીની સીડી પરથી નીચે ઊતરતી પત્નીના ફનાનો હળવો ધબકાર.

બારણું ઊઘડે છે. બારણું ફરી બિડાય છે. બીજો કશો બોલાશ કે સંચળ સંભળાતો નથી. ઝમ ઝમ કરતી રાત્રિ ચાલી જાય છે.

માત્ર થોડી વાર બત્તીનું અજવાળું ઝબૂકી જાય છે. સૂતેલી નીમ્યાના મોં પર પુરુષની મીટ બે ઘડી દોડાદોડ કરે છે, અને પરોઢિયા પહેલાં એ ઘરનાં ત્રણ જણમાંથી એક ઓછું થાય છે.

સવારે ઊઠેલી નીમ્યાના બિછાના પર એક નાનકડી ચિઠ્ઠી પડી છે. ચિઠ્ઠી વાંચે છે: "ચિનિ પાઈસાં ટભ્યામા મયાબુ. ધી લો અલા ફ્યા સુ બુધુ મા મલૌબાને." (એના ખિસ્સામાંથી મને એક પૈસો પણ નથી મળ્યો, પ્રભુને ખાતર, આવું કામ કરશો નહીં.)

અક્ષરો પતિના હતા. પણ પૂરો અર્થ પમાયો નહીં: કેવું કામ કોઈ કરશો નહીં? કોના ખિસ્સામાંથી એક પણ પૈસો ન મળ્યો?

ચિઠ્ઠી મૂકીને એ ક્યાં ચાલ્યો ગયો?

ધીમે ધીમે અર્થ અંતરમાં ઊગવા લાગ્યો. કાંઈક બૂરું કામ, કશુંક કલીકમા કરીને તો એ નહીં ચાલ્યો ગયો હોય?

પૂરો અર્થ બેસતાં પ્રભાતે વાર લાગી નહીં. પોલીસ આવી પહોંચી હતી. એક ચેટ્ટીનું રાતે ખૂન થયું હતું. ખૂનીનો સગડ નીમ્યાને ઘેર નીકળતો હતો. પોલીસે પૂછપરછ કરવા માંડી-

હમણાં પતિ શો ધંધો કરતો હતો? પૈસા લાવતો હતો કે નહીં? નવાં નવાં વસ્ત્રો, ઘડિયાળ અને વીંટીની ખરીદી કરી લાવ્યો હતો? એનાં નાણાં કોણે ચુકાવ્યાં હતાં?