પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


મહેમાન સ્ત્રીના હોઠ પરથી મલકાટનું ચંદન લેતી લેતી બ્રહ્મીએ શિવશંકરની સામે જોયું. એણે હિંદીમાં ઓળખાણ આપી કહ્યું ""બહિન, દેશસે આયી."

"આ-પ ખ-બ-ર ન-હીં દિ-યા?" બર્મી ધીરે ધીરે હિંદી બોલી અને પછી એની આંખ પતિ તરફથી નણંદ તરફ અર્ધગોળાકાર પંખા પેઠે ફરી.

"હિંદુસ્તાની બોલે છે ને શું ! હિંદનાં લાગે છે આ તો. ચોખ્ખાં હિંદનાં જ. એક લગરીક નાકની અણી બહાર હોત ને..." બોલતાં બોલતાં શારદુનાં નેત્રો ફરતી જળ-કિનારી બંધાઈ ગઈ.

પત્નીના જવાબમાં શિવે બર્મી બોલવા માંડ્યું : "મને જ એણે ખબર નહીં આપેલી. હું દિલગીર છું. એ તો પૂછ્યાગાછ્યા વગર આવી પડી એટલે અહીં લાવ્યા વગર છૂટકો નહોતો. તને અગવડ તો પડશે. નારાજ ન થતી. હું ગમે તેમ કરીને વળાવી દઈશ."

જવાબમાં પત્નીનાં નેણ વિસ્મયથી ઊંચાં થતાં હતાં અને એના મોં પરના મલકાટનો ગુલાબ સહેજ કાંટાની સખ્તાઈ ધારણ કરતો હતો તેટલું જ શારદા જોઈ શકી.

બર્મી સ્ત્રીએ બર્મી બોલમાં વાર્તાલાપ ચાલુ રાખવાને બદલે હિંદીમાં જવાબ વાળ્યો : "નરાજ ! ક્યોં-મેં-નરાજ! બહુન આઈ ઉસમેં નરાજ કૈસે?"

એનો વળતો ખુલાસો શિવશંકર બર્મીમાં દેવા જતો હતો કે તુરત સ્ત્રી બોલી ઊઠી : "ન-હીં. હિંદી બો-લિ-યે." કહેતી જ એ હસી પડી ને શરમાઈ જઈ મહેમાન તરફ જોઈ ગઈ. બોલી: "ખ-રા-બ મ-ત લ-ગા-નાં, બહિન!"

એમ કહી, શારદાનો હાથ ઝાલી એને ચટાઈ પર બેસારી અને પોતે દૂધ વગેરે લઈ આવી.

બરાબર પોતે બર્મી પોશાક પહેરીને બજારે પોતાની દુકાન પર ધંધે જતી હતી. એ પોશાકમાં પોતે દૂધ લાવીને નણંદ આગળ ઘૂંટણિયે