પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને પોતે પોતાને છાનો શાપ દીધો : 'આટલી આટલી વીત્યા પછીય શરીર ગળ્યું જ નહીં ! ઊલટાનું વધુ વધુ ફૂલતું ગયું! સંતાડવા જતાં સાળુ ટૂંકા પડ્યા. મને કંઈ ઓછી હેરાન કરી છે આ શરીરે! મને પલે પલે લોકોની નજરે જૂઠી પાડી છે. મારું મન મેં કરમાવી નાખ્યું છે એ કોઈ માને જ નહીં. આ આણે પણ મને એ જ ઇશારો કર્યો. હજુ તો આવીને ઊભી રહી છું ત્યાં જ કાયાએ ચાડી ખાધી !

"પહેલાં આ શરીરે ચોળજો !" એમ કહીને ભોજાઈએ તનાખાનો લેપ નહાવાની રૂમમાં બતાવ્યો. "ઠંડક વળશે. ને હું હમણાં જ દુકાને જઈને આવું છું." પતિને પૂછ્યું કે "થોડી વાર થોભી શકશો કે ?"

"હાં, હાં, તમ-તમારે જાઈકે આવ. ભાઈકું અમ રોકેગી." એવું બોલીને શારદુએ એને થોડી વારને માટે પણ દૂર કરવાનું જરૂરી ગણ્યું, અને એ ગયા બાદ શિવશંકરને બહેને કહ્યું : "ભાઈ, તારે સનાન છે, લુગડાં ઉતાર."

કપડાં ઉતારીને ધોતીભર બનેલા ભાઈને બહેને ખબર આપ્યા : "બા ગુજરી ગઈ."

"ક્યારે?"

"માણાવદરથી મારે ઘેર નગર આવી હતી. એને આંહીં આવવું હતું. આઘાત લાગી ગયો."

"શેનો ?"

"તારા લગન વિશેની. આ એમ કે તું મચ્છી ખાતો હઈશ, ને બાયડીએ તને કોણ જાણે કેવોય કબજામાં રાખ્યો હશે, ગોલાપા કરાવતી હશે. એવું બધું, ભાઈ! તે એને તો ઝટ આંહીં પહોંચવું હતું, મને લઈને, પણ એનું હૈયું ત્યાં ને ત્યાં જ ભાંગી ગયું. મરવા ટાણે મારે હાથે પાણી મૂકાવ્યું, કે મરતી મરતીયે રંગૂન પહોંચજે ને ભાઈના સુખદુ:ખના