પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ લ્યો, આ લ્યો આ બે પેસેજ. સિંધિયા સ્ટીમવાળી બોટ પરમ દિવસ જ જાય છે. ચાલો ઊપડો. તમારો સામાન હું સચવાવું છું."

વળતી સવારે ડૉ. નૌતમની મોટર એ દંપતીને અને રતુભાઈને લઈ રંગૂન તરફ ચાલી નીકળી.

એ જ સવારે રંગૂનની પૃથ્વીમાં ઊંડે પેસી પેસીને પછી જાપાની બૉમ્બોએ જ્વાળામુખીઓ સર્જાવ્યા હતા. શહેરની બજારોમાં શબો ખડકીને જાણે કે કૂતરાં ને ગીધડાં વેપાર કરતાં બેઠાં હતાં. શબો ઉપર થઈને મોટર ચાલી. રતુભાઈ હાંકતો હતો. હેમકુંવરબહેનને અંદર આંખો મીંચાડી આડે પડખે કરી દીધાં. બાબલો ડૉ. નૌતમના ખોળામાં ઊંઘતો હતો. એ ફૂલને આ ધ્વંસની શી પડી હતી!

"જુઓ ડૉક્ટર, શાંતિદાસ શેઠની દુકાનના હાલ," મોટર હાંકતાં રતુભાઈએ બજારમાં આંખ તીરછી કરી બતાવ્યું. મૂએલા કાગડાઓનાં પીંછડેપીંછડાં પીંખાઈને ઊડતાં હોય તેવો એ દુકાનનો દેખાવ હતો. ઝેરબાદીઓ ને બરમાઓ લૂંટતા હતા. મિલિટરી ઊભી હતી પણ તેમનું લક્ષ્ય બીજી દિશામાં હતું!

મૂએલો કાગડો ! આમાં એકાદ પીંછડું - નાનકડું એકાદ - નીમ્યાની પેલી વીંટીં હશે ! પેલાં નઘાં હશે ! અરેરે ! કોનું શું શું નહીં હોય !

મોટર આગળ ચાલી. બંદર થોડે જ દૂર હતું. સ્ટીમરના હાંફવાનો અવાજ સંભળાતો હતો. ફક ફક ધુમાડા કાઢતું ભૂંગળું દેખાતું હતું. પણ ચોપાસ માઈલ માઈલ સુધીની જગ્યામાં સળી મૂકવાનોય મારગ નહોતો. માનવીઓની જીવાત છાણના પોદળામાં જાણે કે ઊભરાઈ પડી હતી. પુરુષોના હાકોટા, સ્ત્રીઓના કિકિયાટા, છોકરાંના રુદન, ટ્રંકો-પેટીઓની ધડાધડી, ધક્કાધક્કી, ટંટાફિસાદના કોલાહલ, પોલીસના કોરડાની ફડાફડી, પીઠ પર બેઠેલા ગોરા-કાળાઓના માર ખાતા દોડતા રિક્ષા ખેંચનારાની હાંફાંહાંફી, ઘોડાગાડીના લપસતા ઘોડાના એ ડામરની સડક ઉપર જીવલેણ પછડાટા - એ બધાંની વચ્ચે મોટરને દોડાવાનો સીધો દોર માર્ગ પડી ગયો હતો.