પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


'એય આપલી ગાડી!' બાબલો બોલી ઊઠ્યો અને એ શબ્દે મોટરમાં જતા ગોરાના કાન ચમકાવ્યા. તેણે મોટરધણીના કુટુંબને નજરે નિહાળ્યું અને છોકરાંઓને કહ્યું: "પ્રભુએ જ આપણને શિક્ષા કરી. આપણી જેમ આ બીજાં જેઓ બોટ પર જતાં હશે તેમની જ મોટર આપણે ઝૂંટવી લીધી!"

"હવે સ્ટીમર નહીં મળે, હેંં ડૅડી?" સાત વર્ષના છોકરાએ બાપને પૂછ્યું.

"સંભવ નથી, હવે તો બીજે જ કોઈ રસ્તેથી નીકળવું પડશે. બહેન એકલી ગઈ. એનો સામાન પણ આંહી પડ્યો રહ્યો."

ચૌદ વર્ષની પુત્રીએ પૂછ્યું: "આપણે માટે જેની કાર લઈ લીધી એ ઇન્ડિયન સ્ત્રી ફૂટપાથ બેસી કેમ ગઈ હતી, હેં ડૅડી?"

"એ સગર્ભા લાગતી હતી."

"ઓ માય!"

એ ગોરાં અને પેલાં હિંદીવાનો, આગબોટ ચૂકેલાં બેઉ પાછાં પીમના જવા સારુ સ્ટેશન પર મળ્યાં. પાછા ગયા વગર છૂટકો નહોતો. રંગૂનના બારા પર બૉમ્બમારો થવાથી હવે ઘડીઓ જ ગણાતી હતી.

સ્ટૅશન પર ઊભાં ઊભાં જ તેમણે કડાકા સાંભળ્યા. બંદરના ફુરચા ઊડતા હતા.

*

શિવશંકર શું થયું હશે? રતુભાઈ મૂંઝાવા લાગ્યો. ખનાન-ટો તો ઉદ્યોગનો પ્રદેશ છે, ત્યાં તો જાપાન ધ્વંસ કર્યા વગર રહેજે જ નહીં. ખનાન-ટો જવાની સંપાનો પણ બંધ પડી ગઈ હતી. કેટલા દિવસથી શિવને લખ્યું છે કે સૌને લઈને પીમના ચાલ્યો આવ.

રતુભઆઈ જાણીતા ગુજરાતીઓને ગોતતો, ટ્રેનની રાહ જોતો ફરતો હતો, તે દરમ્યાન એ ગોરા પિતા અને એનાં બે બાળકો સાથે ડૉ. નૌતમ અને હેમકુંવરબહેનનો સંપર્ક થયો. અંગ્રેજના મોં પર શરમ હતી. એણે શબ્દોમાં ન માગેલી ક્ષમા મૂંગી મૂંગી એનાં નેત્રોમાંથી ટપકી રહી.