પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સરંજામ જવા દેવો નથી." ભસ્મીભૂત ધરાની લશ્કરી સૂચના છૂટી.

ધીકતી ધરા તો રશિયા કરતું હતું. એમ તો રશિયા અદ્‍ભૂત મરણિયાપણાથી શત્રુઓનો સામનો પણ કરતું હતું.

રશિયાનાં એ બે કામોમાંથી બર્માની બ્રિટિશ સરકારે એકને જ અનુસરવું પસંદ કર્યું.

ધીકતી ધરા !

"શહેર ખાલી કરી જાવ. અમારે ધીકતી ધરા કરવી છે."

અરધા વાસાની છોકરી અને તાજી પ્રસૂતા સ્ત્રીને લઈ નૌતમે શહેર છોડ્યું. તેમને નીમ્યાવાળા ગામડા સુધી લઈ જવાને સારુ રતુભાઈની મોટર પણ નહોતી રહી. સરકારી ઉપયોગ માટે એ તો રતુભાઈની ગેરહાજરીમાં જ ઊપડી ગઈ હતી.

પારકું સાધન સો ગણા મૂલે મેળવીને બન્ને કુટુંબો સાથે રતુભાઈ નીમ્યાને ગામડે ઊપડ્યો.

રસ્તે જ્યાં જુઓ ત્યાં ધા ઊછળતી હતી. સાઠ વર્ષો સુધી ચાલેલા પોતાના રાષ્ટ્રના શોષણનું વેર વસૂલ કરવા બરમાઓ બહાર નીકળી પડ્યા હતા.

પણ આ ખટારાની મોખરે તો એક બર્મી નારી બેઠી હતી. રતુભાઈના ને શિવશંકરના લેબાસ પણ ઘાંઉબાંઉ, લૂંગી ને કોટના બનેલા હતા.

મોખરે બેઠેલી મા-હલાના હાથમાં ધા હતી.

નારીના હાથની ધા તો નરના હાથની ધાને ધ્રુજાવતી જ આવી છે. કંઈ યુગો એ કથની કહેતા આવ્યા છે. મા-હ્‍લાનો મોરો વાટપાડુઓને માટે વસમો બન્યો. નીમ્યાને ઘેર પહોંચી ગયાં.

ત્રીજી રાત્રિએ રતુભાઈ, ડૉ. નૌતમ, શિવશંકર, નીમ્યા અને મા-હ્‍લા મંત્રણા કરવા બેઠાં. શારદુ સૂતી હતી. એને દેહ ધગશ ચડી ગઈ હતી. હેમકુંવરબહેનને નીમ્યા વારંવાર જઈ શેક આપતી હતી.

"નૌતમભાઈ!" રતુભાઈએ કહ્યું, "રંગૂનનો માર્ગ બંધ થઈ ગયો.