પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કેવળ તેમનાં ઓળેલાં માથાં, કારણકે માથાં ઉપર તેમણે રબ્બરની ટોપીઓ ચડાવી હતી.

એક પછી એક વાહન પસાર થતું હતું અને બેઉ બાજુનું પ્રત્યેક નારીમંડળ આ ઘેરૈયાઓને ચોખ્ખાં મીઠાં જળે રોળતું હતું. કોઈ કોઈ ઘેરૈયાને શૂરાતન ચડી જતું તો તે નીચે કૂદકો મારી, યુવતીના હાથમાંથી બાલદી ખૂંચવી, પાણીની ઝાલક એ સ્ત્રીઓ પર નાખી "ઇરાપો!" બોલતો, પાછો ઝડપભેર વાહનમાં છલાંગી જતો. પગપાળાઓનો ત્યાં પાર નહોતો.

વધુ વાર થઈ નહીં ત્યાં તો રાજમાર્ગો પર નદીઓનાં સજીવન વહેન બંધાયાં. રાષ્ટ્રનો તહેવાર હતો, બજારો બંધ હતાં, પાણીની જ એ શહેર ઉપર પ્રભુતા હતી. શાસન હતાં - સરકારનાં નહીં પણ ઇન્દ્રદેવનાં, ફક્ત એકલા બ્રહ્મદેશને જ વનશ્રીએ આપેલ પઢાઉ પુષ્પોનાં, લયમધુર કોમળ સંગીતનાં, સ્ત્રીઓનાં, સ્નેહનાં, સ્વરોનાં - "નંગો પ્યેબા ! નંગો પ્યેબા! ઉરાપો ! ઇરાપો!"

એ કોઇ એક જાતિનો કે કોમનો તહેવાર નહોતો. કોઈ એક વર્ગનો નહોતો, કારણ કે બ્રહ્મી પ્રજા વર્ગોમાં વહેંચાણી નથી. એ ઉત્સવ રાષ્ટ્રનો હતો, રાષ્ટ્રવાસી દેશી-પરદેશી તમામનો હતો. બ્રહ્મીઓની ગાડીઓ નીકળી, ચીનાઓના ઘેરૈયા-ઘેર પણ નીકળ્યા, સિંહાલીઓ ને જાપાનીઓ પણ જુદા ન રહ્યા. વ્યાજખાઉ ધીરધારિયા કાળા સીસમ ચેટ્ટીઓ પાણી ખાવા ચાલ્યા, મુસ્લિમ અને બર્મી વચ્ચેનાં લગ્નમાંથી નીપજેલી નૂતન ઝેરબાદી ઓલાદે પણ લાંબા કાળનાં કટ્ટર વૈરને ખોપરીઓના એક ખૂણામાં સંઘરી મૂકી, પોતાનાં ખુન્નસ છોડી, ટોળે ટોળે બહાર નીકળીને આ રાષ્ટ્રોત્સવમાં સાદ પુરાવ્યો : "નંગો પ્યેબા, નંગો પ્યેબા : પાણી છાંટો, અમે પણ પાણી ખાનારા છીએ, અમને છંટકોરો, અમને રોળો."

"એ...એ...એ, જો પેલી બ્રહ્મીને દે...દે...દે -" એમ બોલતા ડૉ. નૌતમે પોતાની પત્ની હેમકુંવર હાથણીને રોળવાની ચેષ્ટા રૂપે એને ખંભે હાથ મૂકી દીધો. અને જોયું તો એક માર્ગેથી બીજે માર્ગે