પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જતી એક બ્રહ્મી નારી, શાંતિથી શિર નમાવીને પુરુષોની સામટી પાંચદસ બાલદીઓના ધોધમાં વરુણ-સ્નાન કરતી હતી. પોતાનાં અંગ પરનાં નકોર રેશમ લદબદ થયાં તેનો એ સ્ત્રીને અફસોસ નહોતો. એ હસતી હતી, અને વીખરાયેલ અંબોડામાંથી હીરાજડાઉ 'ભીં' (કાંચકી) કાઢીને ઊભી ઊભી લાંબા વાળ સમારતી હતી.

"શું તમે પણ ઘેલા થયા છો !" હેમકુંવરે દેહને હળવેથી હલાવી ડોક્ટરનો હાથ પોતાના ખંભા પરથી લસરાવી નાખ્યો ને કહ્યું, "નાનપણમાં કદી હોળી રમ્યા નથી કે શું?"

એને જોતી રાખી ડૉક્ટર ચોરીચૂપકીદીથી ખસી ગયા, અને થોડી વારે બારીમાં ઊભેલી પત્નીએ "ઓય મા!" પોકાર્યું.

પોતે પણ નખશિખ તરબોળ બની ગઈ હતી. ડૉ. નૌતમે અંદરથી ડોલ ભરી લાવીને એના ઉપર ઠબકારી દીધી હતી.

"મને શું નાખો છો ? શૂરા હો તો ઊતરોને હેઠા ! જાવને આ બ્રહ્મીઓની ઝાલકો ખાવા."

આ શબ્દો પત્ની બોલતી હતી અને તે સાથે જ રસ્તા ઉપર ચોમેર પાણીની થપાટો સંભળાતી હતી. પાણી ખાનારા મરદો આ જળ-તમાચાથી ચમચમી જતા હતા.

"જાઉં ને?"

"હા, હા, એ ડૉક્ટર !" બાજુએથી બીજા ગુજરાતીઓ નાચી ઊઠ્યા. "આંહીં તો રિવાજ છે. હિંદીવાનો પણ નીકળે છે, અમે તો ગામડાંમાં હોઈએ ત્યારે અચૂક જોડાઈ જઈએ. કાઢોને મોટર ! આખા નગરમાં ચક્કર લગાવીએ."

"ના, ભૈ ! મોટર તો બગડે."

"ભલે બગડે, અવતાર તો સુધારો !" હેમકુંવરે હસીને કહ્યું.

"પણ આ લોકોનાં પાણી ખાઈ નહીં શકો હો, દાક્તર !" પાડોશી જુવાને કહ્યું.

"બસ ! બાઇડિયુંના હાથનું પાણી નહીં ખાઈ શકો એવા જ