પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"કમ ઍલોંગ માય બૉય્ઝ, પૅક અપ ! નો પૉઝીંગ, નો વેઈટીંગ, નો લક્‌ઝરી ઑફ મોનીંગ, વી સીમ્પલી કાન્ટ એફોર્ડ ઈટ. (ઊઠો બચ્ચાંઓ ! બચકાં બાંધો, રોકાવું, રાહ જોવી, કે રુદનનો વૈભવ માણવો, એ કશું જ આપણને પરવડે તેમ નથી.)"

એમ બોલીને એણે રાતના ત્રણ વાગ્યે સૌને ઢંઢોળી સાબદાં કર્યાં અને એણે પોતાની પુત્રીને કહ્યું, "આમ આવ તો ! જો હું તને એક તરકીબ કરી આપું." એમ બોલીને એણે પોતાની પાસેનો એક કપડાનો ટુકડો લઈ પુત્રીની પીઠ પર એનું ખોયું કસકસી આપ્યું ને પછી તેની અંદર, હેમકુંવરબહેન પાસેથી નાની છોકરીને લઈને સુવાડી દીધી ને કહ્યું: "જો, આપણે બર્માના એક સુંદર સંભારણાને આ રીતે સાથે લઈ જઈ શકશું. બર્મી અને ચીની સ્ત્રીઓને આમ બાળકો તેડતી જોઈ છે ને ? અને હવે ? ક્યાં ગયો મારો બાબલો ? બાબલો ! ઓ યુ લિટલ ડેવિલ બાબલો ! કમ ઍલોંગ ! તને પણ વધુ કમ્ફર્ટેબલ સીટ કરી આપું." એમ કહીને એણે બાબલાને ખંધોલે લીધો, ને બાબલાને પગ ઠેરવવા પોતે ગળામાં એક રસી નાખી આડી લટકાવી દીધી.

ભારે હૈયે ચાલી નીકળેલા એ સંઘમાં સાહેબની આવી કંઈક રમૂજો-રોનકો દેખી દેખી ડૉ. નૌતમ રતુભાઈને કહેતા હતા કે, "અમારી વિદ્યામાં જે 'ટ્રાન્સ્ફ્યુઝન ઑફ બ્લડ' અર્થાત્‌ એક શરીરમાંથી બીજા શરીરમાં રુધિરાન્તર કરવાનું છે, તે આંહીં જ થઈ રહ્યું છે. આપણા ભરપૂર બાલ-વાત્સલ્યને આ સાહેબ પોતાના દરિદ્ર બનેલા અંત:કરણમાં રેડ્યે જાય છે."

બાકીના જે પાંચેક પડાવો થયા, તેમાં સાહેબ આખા પડાવનાં છોકરાંને એકઠાં કરી પોતે 55 વર્ષની વયના શરીરને વિસ્મયકારી સ્ફુર્તિથી સ્કીપિંગ-દોરી પર કુદાવતા, પછી પોતાની સામે એકાદ છોકરા-છોકરીને ઊભાં રાખી જોડલે સ્કીપિંગ કરતા. બિલાડી, કૂકડા, કૂતરા વગેરે પ્રાણીઓની તરેહવાર બોલીઓ કાઢીને એણે એવાં પ્રાણી વગરની એ પહાડસૃષ્ટિમાં ભરપૂર જનવસ્તીનો મધુર વિભ્રમ જગાવ્યો, અને