પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મિલો, મારવાડી અને ગુજરાતીઓની મિલો, કાથિયવાડી મેમણોની મિલો અને ચીનાઓ-બરમાઓની મિલો, બેજાતની મિલો : એક સાદા ચાવલ છડવાની ને બીજી પાકા ચાવલ તૈયાર કરવાની. બંગાળા અને મદ્રાસ આ પાકા, બાફીને સૂકવેલા ચાવલ ખાય.

રતુભાઈ જ્યાં મૅનેજર હતો તે હતી જૌહરમલ-શામજીની પાકા ચાવલની રાઇસ મિલ. એક મરવાડી અને એક કાઠિયાવાડીની એમાં ભાગીદારી હતી. મૅનેજર રતુભાઈને રૂ. ૩૫નો પગાર હતો. બીજા પાંચ-સાત 'બાબુઓ'ને ૧૫ થી ૩૦ સુધીના દરમાયા હતા. માલિકો એ મિલમાંથી લાખો રૂપિયા રળતા. તેઓ આ મિલમાં આવતા માત્ર સાંજે મોટર-બોટમાં બેસીને અને કલાક-અર્ધો કલાક જોઈને યાંગંઉ ચાલ્યા જતા. મિલોના પ્રદેશ પછી ત્યાં મોટે ભાગે બ્રહ્મદેશીઓની જ ગ્રામ્ય વસાહતો હતી. એમનાં ઘરો લાકડાંના હતાં. પાકાં મકાનો હતાં ફક્ત મદ્રાસી ચેટ્ટીઓનાં, કારણ કે તેમની ગાંઠે લાખોનાં જોખમ હતાં, તેમની તિજોરી માટે પાકાં મકાનની ગરજ હતી. ગુજરાતીઓ પણ ભાડાંવડીએ આ ચેટ્ટીઓનાં મજબૂત મકાનોમાં પોતાની તિજોરીઓ મુકાવતા.

રાતપાળી પૂરી કરીને પોતાનાં મોં ધોઈ પાછા અંબોડા બાંધતી બ્રહ્મી મજૂરણો મલકતે મુખડે એક પછી એક રતુભાઈને કહેતી હતી: "બાબુ, અખ્વી પેબા!" (બાબુ, હું રજા લઉં છું.)

કોણ કહી શકે તેમણે રાતભર ધીખતી વરાળમાં બફાતાં મજૂરી કરી હશે! તેમણે પાછી બહુરંગી લુંગી-એંજી પહેરી લીધી હતી. વળી એકાદ સાચુંખોટું નંગ તો તેમનાં શરીરો પર ઝળકતું જ હતું. વાલની વીંટી વગરનો અડવો તો ભાગ્યે જ કોઈનો હાથ હતો. ખાતી હતી કેવળ ચાવલ ને મચ્છી, પોષણ તો દેહને અધૂરું પડતું. પોષતી હતી બસ એકલી રસિકતાને - રેશમ, હેમ ને હીરા વડે. અને ઓહોહો, પુષ્પો વગર તો એને પોસાય જ કેમ?

નવી આવેલી મજૂરણોએ વસ્ત્રો બદલી, મજૂરીનાં વસ્ત્ર પહેરી લીધાં હતાં. સઢોઉં છોડી છોડી ફરી વધુ કાળજીભર વાળી લીધા હતા.