પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"બિનબર્મીઓને છેડશો નહિ." એ હતી ઝેરબાદીઓની સૂચના.

હિંદુઓ આમ બેઉ પક્ષોથી સલામત હતા. શોણિતની સરિતાઓ વચ્ચે થઈને તેઓ ચાલ્યા જઈ શકે. પણ કોણ હિંદુ ! કોણ કાકા![૧] ઝનૂને ચડેલી પ્રજા બે વચ્ચે ક્યાં ભેદ સમજે? હિંદુઓ પણ ઘરમાં લપાઈ બેઠા હતા. બ્રહ્મી પડોશીઓ એમને રક્ષી રહ્યા હતા.

*

રતુભાઈ યાંગંઉમાં હતો. એણે મિલ બદલાવી હતી. રહેમાન રાઇસ મિલમાં એને નોકરી જડી હતી. એનાથી ઘર ઝાલીને બેસી ન રહેવાયું એને એની જૂની મિલના એક મુસ્લિમની દશાનો ઉચાટ લાગ્યો. પોતે હિંદુ લેખે સલામત હતો. એણે જેટી પર જઈને પોતાની મિલની લૉંચની શોધ કરી. લૉંચ મૂકીને માણસો નાસી ગયા હતા. ભાડૂતી સંપાનો ઊભી ઊભી પાણીમાં જળકમળ જેવી ઝૂલતી હતી.

"આવે છે અલ્યા ખનાન-ટો?" એણે એક સંપાનવાળાને સાદ કર્યો.

"હા બાબુ! લાબા." સંપાનવાળો બરમો હોંશે હોંશે હાજર થયો. સંપાન રતુભાઈને લઈને ઇરાવદીમાં ઊપડી.

બેએક માઈલની જળવાટ હતી. સંપાનમાં બે જ જણ હતા: એક રતુભાઈ, ને બીજો સંપાની બરમો. રતુભાઈ કોટ પાટલૂન અને હૅટમાં હતા. સંપાની એક લુંગીભેર હતો. હલેસાં ચલાવતા એના ખુલ્લા હાથની ભુજાઓ પર માંસના ગઠ્ઠા રમતા હતા. છાતી ગજ એક પહોળી અને ગેંડાના ચામડા જેવી નક્કર હતી. માથે ઘાંઉબાંઉ હતું.

રતુભાઈ અને એ બેઉ સામસામા હતા. સાગર-શી વિશાળ ઇરાવદીનાં મધવહેણમાં નરી નિર્જનતા વચ્ચે રતુભાઈ જોતો હતો અને સંપાની સંપાનના ભંડકમાંથી કશુંક શોધક હતો.

પલમાં તો સંપાનીના પંજામાં ધા ઊપડતી દેખાઈ.

  1. મલબારી મોપલા મુસ્લિમને બર્મામાં 'કાકા' કહે છે