"કેમ રે?" રતુભાઈએ તો કશા ઓસાણ વગર વિનોદ કરતાં કરતાં પૂછ્યું : "અહીં તો કોઈ મુસલમાન કે ઝેરબાદી નજરે પડતો નથી. કોઈ સંપાન પણ નજીક નથી ને તું ડરે છે કેમ?"
"મીં કાકા, મીં ખોતોકલા," સંપાનીએ જરાક વાર રહીને પૂર્ણ શાંતિથી જવાબ વાળ્યો, તે વખતે તેની આંખોમાં રતુભાઈએ રાતા ટશિયા ફૂટતા જોયા.
"મીં કાકા!" (તું મોપલો મુસલમાન છો.) "મીં ખોતોકલ!" (તું બંગાળી મુસ્લિમ છો.)
કલા એટલે સામે સાગરપારથી આવેલો હિંદી. 'ખોતો' એટલે 'કોથાય' (અર્થાત્ 'ક્યાં') એવો શબ્દ વારંવાર બોલનાર હિંદી, એટલે કે બંગાળાનો ચટગાંવ બાજુનો મુસ્લિમ.
ઇરાવદીનાં ડહોળાં પાણીમાં સરી જતી સંપાન પર ઉચ્ચારાતા આ શબ્દો, અને આ લોખંડની ભોગલ-શા ખલાસી-પંજામાં ભિડાયેલી ધા, બેઉએ રતુભાઈની ને મોતની વચ્ચેનું અંતર તસુભર જ કરી દીધું. બરમાની ધા દેખા દીધા પછી કેટલા વેગે માણસને કાપે છે તેની એને ખબર હતી.
"તું ભૂલ કરે છે, નાવિક!" રતુભાઈએ ખામોશીથી જવાબ વાળ્યો: "હું હિંદુ છું."
"નહીં, તું કાકા છો. તરો લેબાસ હિંદુનો નથી." ધા ટટ્ટાર થતી હતી.
"નાવિક, આ લેબાસ અમારામાં સૌ કોઈ પહેરે છે." રતુભઆઈની દલીલો હેઠળ છાતીના ઝડપી થડકાર છુપાયા હતા.
"બતાવ તારી ચોટલી."
"અરે ભાઈ બધા હિંદુઓ ચોટલી રાખતા નથી."
" તો બતાવ જનોઈ."
"ગાંડા, જનોઈ પણ અમુક હિંદુ જ પહેરે છે."
"તો ખોલ તારું પાટલૂન."