પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


"કેમ?" રતુભાઈ ન સમજ્યા.

"દેહ દેખાડ, જોવા દે સુન્નત [૧] છે કે નહીં." ટાઢોબોળ બરમો નિશ્ચયને દૃઢ કરી ચૂક્યો હતો.

"નાવિક. હું તને ખરું કહું છું કે સુન્નત નથી. મારી એબ જોવાનો આગ્રહ છોડી દે. અને હું કહું છું એમ ખાતરી કર. તું કિનારે જ મને આ સંપાનમાં મૂકીને ખનાન-ટોની કોઈ પણ મિલમાં જઈ પછી ખાતરી કર. મારું નામ દેજે, ને પૂછજે કે રતુબાબુ હિંદુ છે કે મુસ્લિમ. પછી તને ખાતરી ન થયા તો મને આંહી પાછો આવીને મારી નાખજે. તને કોઈ નહીં રોકે. મારું નામ સૌ જાણે છે. ચોથી મિલમાં હું મેનેજર છું. તું તારે પહેલી મિલમાં જઈને પૂછી આવ; નહીંતર તું મને કાપી નાખીશ તે પછી જો તને સત્યની ખબર પડશે, તું જ્યારે મારા મુડદાની એબ જોશે, ત્યારે તને કેટલો પસ્તાવો થશે તેનો તું વિચાર કર. પછી વાત તારા હાથમાં નહીં રહે."

બરમો સહેજ વિચારમાં થંભ્યો. વળી એણે કહ્યું, "તો તને શરીર ખુલ્લું કરતા શું થાય છે?"

"નાવિક," રતુભાઈને લાગ્યું કે પોતાનો હાથ કંઈક ઉપર આવ્યો છે એટલે એનામાં વધુ સમજાવટ કરવાના હોશ પ્રગટ્યા; "અમે હિંદુ, અમારી એબ ઉઘાડી કરવામાં મહાપાપ સમજીએ. અમે એવી જનેતાઓના બેટાઓ છીએ, કે જેમણે પોતાની એબ દેખાડવા કરતાં જીવતી સળગી જવું પસંદ કર્યું છે. અમે તારા કૃપાલુ પ્રભુ ગૌતમના દેશના છીએ, કે જેમણે જગતના એક જીવડાને પણ ન હણવાનો સુબોધ દીધો છે. અમે ગુજરાતીઓ છીએ. કીડીનેય ચગદતાં પાપ ગણીએ છીએ. એબ જોવી ને એબ દેખાડવી, બેઉ અમારે મન મહાપાપ છે."

"તું બહુ મીઠું મીઠું બર્મી બોલી શકે છે!" એ શબ્દો સાથે

  1. આ હુલ્લડમાં માણસોને નગ્ન કરાવી સુન્નત છે કે નહીં તેની ખાતરી બ્રહ્મીજનોએ કરી હતી. અને ચાંદીના રોગે પીડાતા કેટલાક હિંદુઓને પણ સુન્નત ધારણ કરનાર મુસ્લિમો માની ઠાર મારેલા.