પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે એકલાં!"

"કાં શેઠ ?" ડૉ નૌતમે મોં મલકાવીને પૂછ્યું, "શું વાંધો આવ્યો? સમ્સ્કૃતિ ન કહેવાય?"

"અરે, આ ખરચુ જઈને પાણી પણ ન લેનારી વેજા..."

એ વાક્ય પૂરું થતાં પહેલાં તો બે ગોરી મહિલાઓ ક્લબમાં દાખલ થઈ. એને આવકાર આપતાં શાંતિદાસ, શામજી વગેરે ઊભા થઈ ગયા. ફક્ત એક ડૉ નૌતમે માથું છાપામાં ડુબાવી રાખ્યું.

"જુઓને, શેઠિયાઓ!" ગોરી મહિલાઓએ અંગ્રેજીમાં રુઆબભેર છાંટ્યું: "અમે હર એક્સેલન્સી (ગવર્નર સાહેબનાં પત્ની)ના નામથી બ્રહ્મી લોકોના ઉદ્ધારનું મિશન ચલાવીએ છીએ. આ જુઓ હીઝ એક્સેલન્સીનું ભલામણપત્ર, અને બીજા સંભાવિત ગોરા અફસરોના પ્રમાણપત્રો. આ રહી દાતાઓની ટીપ. આ વહેમોમાં અને ફુંગીઓનાં ધતિંગોમાં ફસાયેલ પ્રજાનો પુનરુદ્ધાર પ્રભુ ક્રાઈસ્ટના દયાધર્મ વગર થઈ શકે તેમ જ નથી. યુ જેન્ટલમૅન (તમે ગૃહસ્થો) આ ભૂમિમાંથી ઘણું લૂંટો છો. તમારી ફરજ છે કે બર્મી પ્રજાના ઉદ્ધાર-કાર્યમાં અમને મદદ કરવી. તમારી મદદની હર એક્સેલન્સી બરાબર કદર બૂજશે."

એ ધોધબંધ વહેતા અંગ્રેજીના શબ્દપ્રવાહમાં જાદુ હતું. બોલવામાં વશીકરણની છટા હતી. બાઇબલનાં સૂત્રો સાથે 'ભગવટ્ ગી-ટા'નો ઉલ્લેખ પણ આ મહિલાઓએ વીસેક વાર કર્યો અને 'ભ-ગ-વટ્ ગી...ટા' શબ્દે તો શેઠિયાઓને પાણી પાણી કરી નાખ્યા. શેઠિયાઓએ એકબીજા સામે જોયું અને ગોરી મહિલાઓએ ખરડાનો કાગળ ટેબલ પર છટાથી બિછાવી દેતાં કહ્યું : " અમરા બર્મા પુનરુદ્ધારના મિશનના વાર્ષિક ઉત્સવમાં હર એક્સેલન્સી અમારા પ્રત્યેક દાતાને રૂબરૂ મળી ઓળખાણ કરવા ઉત્સુક છે."

"ભરો ત્યારે, શામજી શેઠ," શાંતિદાસ શેઠે કહ્યું.

"ના પહેલા તમે શેઠ,"

"અરે વાત છે કાંઈ? ત્રણ રાઇસ મિલોના ધણી બન્યા છો!"