પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"લ્યો ત્યારે, ભાઈ!" એમ કહીને શામજીભાઈએ પોતાની રકમ ચડાવી.

"વૉટ!" એ રકમને જોતાં જ ગોરી મહિલાએ વિસ્મ્યભર્યું હાસ્ય ચમકાવીને શામજી શેઠનો હાથ ઝાલ્યો. એટલા સ્પર્શે તો શામજી શેઠે સાતમા સ્વર્ગનું રોમાંચ અનુભવ્યું. ગોરી મહિલાએ એમના હાથમાંથી કલમ લઈ લીધી અને કહ્યું: "હર એક્સેલન્સી મને ધમકાવી જ કાઢે કે બીજું કાંઈ ? મને કહેશે કે સ્ટુપિડ ! શામજી શેઠના રૂપિયા પચાસ ! હોય કદી ? આમ જુઓ. તમારો હાથ ન ચાલે, જેન્ટલમૅન ! હું વધુ કશો ફેરફાર નથી કરતી. ફક્ત આટલો જ -" એમ કહીને પાંચડા પર જે એક મીંડું હતું તેની જોડે બીજું એક મીંડું ચડાવી દીધું અને કહ્યું : "હર એક્સેલન્સી કેટલું એપ્રિશિયેટ કરશે તે જાણો છો?"

શામજી શેઠનાં નયનોમાં હર એક્સેલન્સીની એ ભાવિ 'એપ્રિસિયેશન' (કદર) તગતગી રહી.

"અને હવે જેન્ટલમૅન, તમે !" કહેતી બાઈ શાંતિદાસ શેઠ તરફ વળી. "તમે તો બર્મી લોકોને ખૂબ લૂંટો છો. એનું પ્રાયશ્ચિત કરો. પૂરતું પ્રાયશ્ચિત કરો. ક્રાઇસ્ટ પ્રભુની દયા હશે તો ઘણું વધુ મેળવી શકશો. પંથ ભૂલેલા બર્મન લોકોના એ તારણહારને ખાતર થેલીની દોરી છોડી નાખો. હર એક્સેલન્સી જે કષ્ટ ઉઠાવી રહેલ છે તેની સામે જુઓ. બોલો, શું ભરું?"

"આપને ઠીક લાગે તે." શાંતિદાસ શેઠને હર એક્સેલન્સી સાથે હાથ મિલાવવાનું મધુર સોણલું આવ્યું.

એક હજારનો આંકડો પાડીને ગોરી રમણીએ શાંતિદાસને બતાવ્યો.

"બસ, એમાં મારે તો શું જોવાનું હોય ! એઝ યુ પ્લીઝ : જેવી તમારી ઇચ્છા." શાંતિદાસ શેઠે ટૂંકું પતાવ્યું. મનમાં એમ કે લેવા આવે ત્યારની વાત ત્યારે !

"ને હવે યુ જેન્ટલમૅન !" બાઇએ ડૉ. નૌતમને પકડ્યા. "એમ