પૃષ્ઠ:Pratimao.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આત્માની અસુર
95
 

છાતીફાટ રડતી એ સ્ત્રીની વાત સાંભળ્યા પછી દાક્તરે થોડી વાર એક ઉચ્ચાર પણ ન કર્યો. પોતે જ એ પિશાચ છે તે કહેવાની એની હામ નહોતી રહી. આ કોમલાંગીની પોતે કેવી વલે કરી હતી એનું પોતાને પૂરેપૂરું ભાન હતું. એ સ્ત્રીની આંખોમાં, એ મુખમુદ્રામાં, શરીરની નિચોવાયેલી હાલતમાં આ યુવાને પોતાની હેવાનિયતનો દર્દભર્યો ઈતિહાસ વાંચી લીધો. પોતાનું ભુક્કો બની રહેલું કલેજું છુપાવીને એણે કહ્યું:

"જા બહેન, હું તને ખાતરી આપું છું કે તું કહે છે તેવો કોઈ જીવતો પુરુષ નથી. તને કોઈનો વળગાડ લાગે છે. પણ હું તને આજથી ભયમુક્ત કરું છું. મારું જ્ઞાન મને ખાતરી આપે છે કે તને હવે ફરી વાર એ અસુર નહીં સંતાપી શકે.” પોતે ગુજારેલા અત્યાચારના પ્રાયશ્ચિતરૂપે ઇલ્મીએ એ સ્ત્રીને એક મોટી રકમ ભેટ કરી વળાવી.

પરંતુ બીજે જ દિવસે જે વેળા કોઈ દુષ્ટ આવેગને બળે એનામાં અસુરનો આવિર્ભાવ થયો, ત્યારે આગલા દહાડાના અનુતાપનું તમામ ભાન ચાલ્યું ગયું. ભીષણ રૂપ લઈને એણે ફરી પાછી ત્યાં ને ત્યાં દોટ દીધી; અને ભયત્રસ્ત સુંદરીને એણે પાછી પોતાની ચૂડમાં ભીડવી. એના પાશવી બાહુપાશમાં ભુક્કો થઈ જતી સુંદરી વિસ્મય પામી બોલી ઊઠી: “ઓહ ઓહ ઓહ ! તમે પાછા કયાંથી ? દાક્તરસાહેબે તો કહ્યું કે તમે હવે નહીં આવો –"

“હં-હં !” વિહવળતાની આગમાં ભડકે બળતાં બળતાં એણે પ્રેયસીને વધુ દાબી – વધુ જોરથી, વધુ ને વધુ જોરથી તેમ તેમ એ ભયભીત સ્ત્રીએ છટકવા પછાડા માર્યા, ગૂંગળાટ અનુભવ્યો; અંગેઅંગ જુદું પડતું અનુભવ્યું અને જેમ જેમ એનો અણગમો પોતાની પરિતૃપ્તિના માર્ગ વચ્ચે આવતો ગયો, તેમ તેમ એ પિશાચની લાલસા-લાય વધુ પ્રકાંડ બની. એનું ભાન ચાલ્યું ગયું. એની દસેય આંગળીઓએ એ સ્ત્રીનું સુકોમલ ગળું પકડી લીધું, ભીંસી નાખ્યું. છેલ્લી ચીસ પાડીને એ સુંદરીના મોંએ શ્વાસ છોડયા. આંખો ફાટી ગઈ.

ઊપડતે પગલે જ્યારે એ ખૂની પ્રયોગાલયની પાછલી બારી પર