પૃષ્ઠ:Pratimao.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
100
પ્રતિમાઓ
 

એવામાં ઓચિંતો ‘એ જ, એ પોતે જ, દાક્તર પોતે જ એ છે' એવો એક અવાજ આવ્યો અને દાક્તરની આંખ ફાટી ગઈ.

પોલીસો દિગ્મૂઢ બની તાકી રહ્યા.

અવાજ દેનાર આદમી પોતાની રિવૉલ્વર ખેંચતો આગળ ધસી આવ્યો. રિવોલ્વરની નાળનું એણે દાક્તરની સામે નિશાન લીધું.

દાક્તરે એ મનુષ્યને ઓળખ્યો. એ હતો મિત્ર-દાક્તર. આખા જગતમાં પોતાની આ રાક્ષસી લીલાનો એક જ જાણભેદુ. તે રાત્રિએ એનો રૂપ-પલટો નજરોનર જોનાર.

“દાક્તરસાહેબ પોતે?" લોકો તાજુબ બન્યા.

"હા, એ પોતે જ” કહેતો એ મિત્ર રિવૉલ્વર તાકતો આગળ વધ્યો, દાક્તરનું મોં ભયથી ફફડી ઊઠયું.

દાક્તરનું રૂપ પલટાયું. મૂર્તિમાન હિંસાએ એ સુંદર શરીરનો કબજો. લીધો અને પોલીસે ચીસ પાડી: “એ જ, એ જ, એ જ!”

આત્મરક્ષણના છેલ્લા પછાડા મારતો એ અસુર, પ્રયોગાલયની અભરાઈઓ ને કબાટો પર ઠેકી ઠેકી, તેજાબોની શીશીઓના ઘા કરી કરી, બેચાર વધુ હત્યાઓ કરી, છેવટે જ્યારે મિત્રની બંદૂક-ગોળી ખાઈને હાહાકાર કરતો ઢળી પડયો, ત્યારે પાછું એનું આસુરી રૂપ સમાઈ ગયું, અને એ મૃતદેહ ઉપર અસલની મધુર આકૃતિ વિરમી રહી.

પંથભૂલી માનવ-ભવ્યતાનો આવો દયાજનક અંત દેખીને લોકોનાં માથાં નીચે ઢળ્યાં.

પરંતુ આખી પ્રજાના રુદનમાંથી સૌથી વધુ એક ભેદક સૂર તો એ શૂન્ય ઘરની અંદર ઊઠતો હતો. એ કલ્પાંત ઘરના બુઢ્ઢા ચાકરના કંઠનું હતું.


Œ