પૃષ્ઠ:Pratimao.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
106
પ્રતિમાઓ
 


“અરે સાહેબ, બુદ્ધદેવના સોગંદ પર.”

“ચાલો ત્યારે. બે મહિના માટે હું ચુ-ચુ-સેન સાથે લગ્ન કરવા તૈયાર છું."

બીજા દિવસને પ્રભાતે ધર્મમંદિરની અંદર બુદ્ધપ્રભુની ધ્યાનસ્થ પ્રતિમાની છાયામાં એક દેશી પુરોહિતના અગમ્ય મંત્રોચ્ચાર પ્રમાણે આ વિદેશી નાવિક અને અઢાર વર્ષની ચુ-ચુ-સેન એક મુદતબંધી લગ્નની ગ્રંથિમાં જોડાઈ ગયાં.

દેવાલય હતું, દેવપ્રતિમા હતી, દીપમાલા અને ધૂપ-નૈવૈદ્ય હતાં, ધર્મગુરુના સ્તોત્રોચ્ચાર હતા. વડીલો અને અન્ય લગ્ન-સાક્ષીઓની નાની મેદની હતી. વરકન્યાનાં અંગ ઉપર મંગલ વસ્ત્રપરિધાન હતાં. લગ્નક્રિયા તો એની એ પ્રચલિત જ હતી. આવો ગૌરવયુક્ત લગ્નસમારંભ એ અઢાર વર્ષની ચુ-ચુ-સેનના દિલ પર એક કાયમી વિવાહની જ છાપ પાડી ગયો. ઠરાવેલી નાની મુદત વિશે એને ઝાઝું ભાન નહોતું રહ્યું. અલાયદું ઘર વસાવીને યુગલ રહેવા લાગ્યું. ‘મારું પતંગિયું ! મારું પતંગિયું !' એ શબ્દો વરના મોંમાંથી સુકાતા નહોતા, ને નાનકડી ચુ-ચુ-એન એના પહોળા ખોળામાં સમાતી નહોતી. પતિના ચરણોને પોતાની આંખો પર ચાંપતી ચુ-ચુ-સેન આ વિદેશીને પૂછતી કે “તમારા દેશમાં લગ્ન કેવાં હોય?” સુખમાં ગરકાવ બની રહેલ સ્વામી ઘેનમાં ને ઘેનમાં બોલી ઊઠતો કે “અમારે ત્યાં તો સ્ત્રી-પુરુષ સામસામી પ્રતિજ્ઞા કરે કે –

'મૃત્યુ આપણને નહીં વિછોડે ત્યાં સુધી, જીવનની છેલ્લી ઘડી સુધી હું તારી રક્ષા કરીશ, સેવા કરીશ, બેવફા નહીં બનું.'

આ પ્રતિજ્ઞાના સૂર ચુ-ચુ-સેનની આંખોમાં શ્રદ્ધાનું સંગીત રેડતા હતા.

[2]

વિદેશી નૌકાને વિદાય થવાના બે પાવા તો વાગી ચૂક્યા હતા. નૌકાનાં યંત્રો ધબકતાં હતાં. સીડી ખેંચાઈ જવાને બહુ ઝાઝી વાર નહોતી. એ વખતે બે માસની અવધિ પૂરી કરીને જુવાન નાવિક પોતાના કામચલાઉ લગ્ન-જીવનમાંથી બહાર નીકળતો હતો. સાથે ચુ-ચુ-સેન એને વિદાય દેવા