પૃષ્ઠ:Pratimao.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવનપ્રદીપ
149
 

એ ત્યાં ઊભો રહ્યો. એના માથામાં જાણે કોઈ માદક ખુશબો ચઢી રહી છે.

થોડી વારે એણે પછવાડે જોયું; ને જોતાં જ એ દંગ થઈ ગયો. ભરચક ફૂલોની દુકાન દીઠી. ખુશબોના તો જાણે છંટકાવ થતા હતા. એના મોંને જાણે એ સુગંધિત હવાની ઝલક ભીંજવતી હતી.

એણે ફરીથી જરા ટીકીને જોયું. ફૂલોની દુનિયા વચ્ચે એક મોં દેખાયું.

એ જ એ મોં? ક્યાંથી હોય? કોઈક ભળતો ચહેરો? એ જ – એ જ – એ જ.

એ અહીં ક્યાંથી? કોઈની દુકાનમાં નોકર રહી ગઈ? કેવાં સ્થિર નેત્રે બેઠી છે? મહિનાઓ પહેલાં દીઠી હતી તેવી જ અંધ, છતાં અનંતને પાર જોતી બે આંખો. મટકું ય નથી મારતી.

ત્યાં તો એણે ઉદ્દગાર સાંભળ્યો: “દાદીમા, આજ મારી ડાબી આંખ ફરકે છે. મને એમ થાય છે કે જરૂર આજ એ આવશે.”

એ આવશે ! કોણ આવશે? મુફલિસે એ દુકાન તરફ પગલાં માંડ્યાં. એ હર્ષઘેલી થઈ હોઠ પલકાવી રહેલ છે. એના હાથનું ચીમળાયેલું ફૂલ હમણાં જાણે છેક નાકની અંદર પેસી જશો.

ધીરે ધીરે છેક ફૂલોના જૂથની પાસે જઈને એ ઊભો. બોલતો નથી. નિહાળે છે. ધારીધારીને નિહાળે છે.

ફૂલવાળી પણ આ ગાંડા ભિખારીની હર્ષચેષ્ટાઓને જોઈ રહી. એને તો રોનક થયું છે. પોતે વાટ કોની જોઈ રહી છે અને મેળાપ કોનો થયો છેઃ કલ્પનાની સુંદર સ્નેહમૂર્તિ ક્યાં ને ક્યાં આ એક ગાંડાની ઈસ્પતાલમાંથી નાસી આવેલાના દીદાર! વિધાતા પણ ઠીક ઠેકડી કરી રહી છે.

“દાદીમા!” ભિક્ષુકના ચહેરા પર કોઈ અજબ વેવલાપણું દેખીને ફૂલવાળીએ ડોશીને કહ્યું: “જુઓ તો ખરાં ! કેવો વિજય વર્તી રહ્યો છે મારા રૂપનો આમ તો જુઓ ! આ શેઠજી મારા ઉપર એનું વહાલ ઢોળી રહેલ છે – હી-હી-હી-હી” એ ધીરું ધારું હસી.