પૃષ્ઠ:Pratimao.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવન-પ્રદીપ
151
 

હથેળીમાં પૈસો મૂક્યો. મૂકતાં જ, હાથનો સ્પર્શ થતાં જ, ફૂલવાળીને રોમે રોમે ઝણઝણાટી ઊઠી, સ્પર્શની વાચાએ એને સાદ દીધો. ઝાલેલો હાથ એનાથી છોડી ન શકાયો. હાથ જાણે ચોંટી ગયો. એનાથી એટલું જ બોલી શકાયું: “તમે ? તમે જ ? પાછા આવી પહોંચ્યા?”

મુફલિસે માથું હલાવ્યું. સજળ એનાં નેત્રો હજુ તાકી જ રહ્યાં છે. એના મોંમાંથી પણ સામો આટલો જ બોલ પડયોઃ “તું તું દેખતી થઈ ?”

ફૂલવાળીએ માથું હલાવ્યું. ત્યારે જીવન-પ્રદીપોમાં આંસુનું તેલ પુરાતું હતું. હસ્તમિલાપ હજુ ભાંગ્યો નહોતો. બેઉની વચ્ચે એક તાજું ગુલાબ હસતું હતું.

Œ