પૃષ્ઠ:Pratimao.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
156
પ્રતિમાઓ
 

લઠ્ઠ શરીરવાળા એ પશુતુલ્ય જુવાને પોતાની શહીદીની ખુમારીમાં વૉર્ડરને પીટ્યો. કપડાં ફગાવી દીધાં. રમખાણ મચાવ્યું. પરિણામે એને કોટડીમાં પૂરી દેવામાં આવ્યો.

એનો ખટલો કરવા આવનાર જેલરને વોર્ડને ઠંડા મિજાજે હસીને કહ્યું: “કંઈ જરૂર નથી. એને કપડાં ન પહેરવાં હોય તો ન પહેરે. એને સવારે કામ પર લઈ જજો – ત્યાં –” વૉર્ડનનો આંખ-ઇશારો જેલરે સમજી લીધો.

તે બીજે દિવસે બગબગાની કલેજા ચીરતી ઠંડી પવન-સુસવાટીમાં એ જુવાને પોતાની કોટડીમાંથી એક હજાર કેદીઓની કૂચકદમ દીઠી. એક હજાર મનુષ્યોઃ શરીર પર અક્કેક ફૂડતું ને પાયજામોઃ છાતી પર પતરાનાં ચકચકિત ચગદાં: ચગદા ઉપર કોતરેલા સજાના આંકડાઓ: પંદર વરસ, પચીસ વરસ, ત્રીસ વરસ, ચાલીસ વરસ, પચાસ, એંશી... ચગદાં, બસ ચગદાં ! ચકચકાટ કરતાં ચગદાં જાણે ચાલ્યાં જાય છેઃ જીવતાં માનવીઓ જાણે કાળા ઓળાયા જ બની જાય છે. અને નાના નિર્જીવ ચગદાંની એક પ્રેતસૃષ્ટિ સજીવન થાય છે. કાળાં કૃત્યો, કાળી વેદના, અંધારી એકલતા, આશાહીન જીવન, જીવતાં કફન. જીવતી કબરો: એક હજાર ઈન્સાનનાં મુડદાં જાણે કે ચગદાં સાથે જકડાઈને ચાલ્યાં જાય છે. દુનિયાની માયામમતાથી રદબાતલ એક હજાર મનુષ્યોની મુખમુદ્રાઓને માંજવા માટે કારાગૃહમાં માટી નથી. લાલ મિટ્ટી અને ખાટી આંબલી ત્યાં ફક્ત ચગદાને ઊટકવા માટે જ મળે છે. ફક્ત ચગદાને ચકચકિત રાખવાનાં ઇનામો મળે, છે. ચગદાં જ ત્યાં જીવે છે. માનવી ત્યાં પડછાયો માત્ર છે. એક હજાર ચગદાં જાણે કડકડતી ટાઢમાં થરથરી રહેલ છે. પાંચ વરસ, દસ વરસ, પંદર-વીસ, પચીસ, એમ સરેરાશ વીસની સજા: જીવતી ઈન્સાનિયતનાં વીસ હજાર વરસો ત્યાં પુરાયાં છે. ધ્રૂજે છે ! ખણીંગ, ખણીંગ, ખણીંગ, અવાજે હાથકડીઓ ને પગબેડીઓના ઝંકાર દેતાં ત્યાં ચાલ્યાં જાય છે – માનવજીવનનાં વીસ હજાર વર્ષો થર થર કાંપે છે. ઓરતની ગોદને અને બચ્ચાંની હૂંફને યાદ કરે છે, પ્રભાતની ગુલાબી સગડીને કલ્પનામાં શોધે