પૃષ્ઠ:Pratimao.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
162
પ્રતિમાઓ.
 


"તારી ઓરત મૃત્યુને બિછાને પડી છે.” વૉર્ડને તારનો મર્મ કહ્યો.

"બીમારી?” જુવાને પૂછ્યું.

"મોટરમાંથી પડતાં જખમો થયેલ છે.”

જુવાન મવાલીના ચહેરા પર પ્રેમનું દર્દભર્યું કાવ્ય પથરાયું. એ બાઘોલો બની ઊભો રહ્યો. એની છાતીમાં ઓરતની છેલ્લી બૂમો પડતી હતી. પરંતુ એ જ છાતી ઉપર સાત વર્ષોની ટીપનું ચકચકિત ચગદું તકદીરના તાળાની માફક લટકતું હતું.

"સાંભળ, બચ્ચા !" વૉર્ડને એના ખભા પર વહાલભર્યો પંજો ઠેરવ્યો. મવાલીએ ધીરે ધીરે આંખો ઊંચી કરીને વૉર્ડનની સામે જોયું.

“જો બચ્ચા, વીસ જ મિનિટની અંદર અહીંથી એક ટ્રેન છૂટે છે. હું જો તને એક દિવસની રજા પર છૂટો મૂકું, તો તું સાંજે પાછો આવવાનો બોલ આપે છે?”

"વોર્ડન સા'બ!” મવાલીના કરડા સ્વરમાં આજે પ્રથમ વાર ધ્રુજારી આવી; “જિંદગીમાં મેં આપેલો બોલ – કોઈને, કુત્તાને પણ આપેલો બોલ - તોડ્યો નથી.”

"પાછો આવીશ?”

"ફાંસીને માંચડે લટકવાનું હશે તો પણ આવીશ.”

“સાંજે બુરાકો બંધ થયા પહેલાં.”

યુવકે હકારમાં શિર હલાવ્યું. શબ્દો બગાડીને નાપાક કરવા જેવી એ ઘડીઓ નહોતી. પત્નીના અવાજ સંભળાતા હતા, ઇમાનનો ધૂપ બળતો હતો.

“તું નહીં આવે તો મારું શું થશે એ જાણે છે?”

મવાલીએ ડોકું ધુણાવ્યું, એની આંખોમાં સળગતા અંગાર પર કોઈ જળ છંટાતું હતું.

“બસ ત્યારે, અલ્લાબેલી.”

“અલ્લાબેલી, વૉર્ડન સા'બ !”