પૃષ્ઠ:Pratimao.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
166
પ્રતિમાઓ
 

પોતે જ એને તેડીને ફાંસી-ખોલીની તુરંગમાં આવ્યો. બેઉને છૂટથી મળવા દીધાં.

“તું જૂઠ શા માટે બોલ્યો?” ઓરત એને ગળે બાઝીને પૂછતી પંપાળવા લાગી.

"જૂઠ નથી બોલ્યો હું. ચૂપ કર.” જુવાને ઓરતના મોં પર હાથ ફેરવ્યા.

"જૂઠ ! જૂઠ ! જૂઠ ! વૉર્ડન સા'બ ! આ આદમી નરાતાર જૂઠ બોલીને ફાંસીએ જાય છે," સ્ત્રી ચીસો પાડવા લાગી: “ઓ વૉર્ડન સા'બ ! સાંભળો, મારી વાત સાંભળો –'

“હવે નથી કહેવી વાત. મૂંગી મર ને!” મવાલી વચ્ચે પડ્યો.

"નહીં, સાંભળી લ્યો. ખૂન એણે નથી કર્યું. મેં કર્યું છે. સાંભળો ! એ શેઠિયાએ મને ભોળવી. ફોસલાવી. આની લાંબી ટીપનો તો કોઈ આરો ન રહ્યો એટલે મારી સબૂરી ન રહી. હું એના પ્યારમાં ખેંચાણી. એણે મને એક દી એની મોટરમાં ઉપાડી. રસ્તે મારું દિલ આ પાપ સામે પોકારી ઊઠ્યું. મને આ બાપડો કેદમાં પડેલો સાંભર્યો. એ પાપિયાના ફાંસલામાંથી કોઈ રીતે છૂટવાની બારી ન રહી. હું મોટરમાંથી કૂદીને નીચે પડી. મને જખમી હાલતમાં મારે ઘેર નાખીને એ ચાલ્યો ગયો. ત્યાં હું મલમપટા કરાવીને પડી હતી. ત્યાં આ આવ્યો. આને મેં મારી કાયાને અડવાની ના પાડી. હું હવે તારા ખપની નથી રહી એમ કહ્યું. આણે મારી પાસેથી આખી વાત કઢાવી, શેઠને મારવા એણે તમંચો લીધો. મેં આને ધીરો પાડી, પંપાળી, ભરેલો તમંચો છોડાવી લઈ મારા ઓશીકા હેઠળ મૂકી દીધો. એને હું મારા પડખામાં લઈને ટાઢો પાડતી હતી. આ બાપડો રાંક બનીને મારા ઉપર લળી રહેલ હતો. ત્યાં બારણું ખખડ્યું. મેં આને સંતાડી દીધો. જોઉં છું તો કાળમુખો ઈ શેઠજી જ આવીને ઊભો છે. મને ટોણા મારવા મંડ્યો કે કાં, બદલી ગઈ? નશો ઊતરી ગયો? હવે બક બક કરવું છે કે આ પૈસા જોઈએ છે આ લે, આ લે, આ લે, કેટલા જોઈએ? એમ કહીને એણે નોટોનો થોકડો મારી પથારીમાં નાખ્યો. મેં એને કહ્યું કે ભલા થઈને, શેઠ,