પૃષ્ઠ:Pratimao.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
26
પ્રતિમાઓ
 

માંડ્યું. બેઉ જ્યારે ઘર તરફ ચાલ્યા ત્યારે ચારસો આંખોનાં નેણમાંથી એ જોડલી ઉપર કટાક્ષોની ઝડી વરસી.

[2]

એક ઓરડો, એક રસોડું ને એક નાની મેડી: એવું એ નાનું સાંકડું ઘર પાંચ છોકરાંની ધમાચકડી થકી પડું પડું થતું હતું. 'ઓ બા, બટુકને બાબુએ ઘુસ્તો માર્યો.' 'એં...એં ઓ બાડી ! બચુડીએ કીકાને ચીંટી ખણી.' 'મોટાભાઈએ મારો કાન આમળ્યો.' 'અમને ભૂખ લાગી છે.' 'બાપ કેમ ન આવ્યા?’ – એવા એવા ગૂંચવાઈ ગયેલા શોરની વચ્ચે ઊભેલી માતા કિકાને કાને પંપાળતી તો બટુકના વાળ સરખા કરતી, બચલીને ગાલે ધીરી ટાપલી લગાવતી તો બાબુડાના બરડા પરથી ધૂળ ખંખેરતી ઊભી હતી. “ચૂપ! ચૂપ! હવે એક પણ શબ્દ નહિઃ જો હમણાં તમારા બાપુ આવશે.” એટલું કહી, નાક પર આંગળી મૂકી તેણે સહુના શોર શાંત પાડ્યા “હવે જુઓ, થોડી વાર ડાહ્યાં થઈને રમો, હું હમણાં તમારે માટે ઊનાં ઊનાં મજાનાં ઢોકળાં ઉતારું છું. જે બોલશે તેને નહીં મળે, ચૂપ...! જો, તમારા બાપુને બિચારાને ત્રાસ પડે છે, એને સતાવશો તો આપણને ખાવા કરવાનું કોણ લઈ આવી દેશે? માટે બાપુ આવે ત્યાં સુધી ચૂ...પ !”

એટલું કહેતી માતા પાછી રસોડામાં દોડી ગઈ. બાળકો શાંતિ જાળવીને હારબંધ બેસી ગયાં. ધીરે ધીરે તેઓના પ્રખર સંયમની સીમા આવી ગઈ, બોબડો કીકો કશુંક ગણગણ્યો, તેની સામે બટુકે નાક પર આંગળી મૂકીને 'ચૂ...પ!' કહ્યું, એટલે બબલીએ 'એય બટુકભાઈ બોલ્યા ! કહી વ્રતખંડન કર્યું. ને ફરી પાછું ત્યાં નાક-કાનની ખેંચાખેંચનું સમરાંગણ જામવાની તૈયારી થતી હતી ત્યાં તો કમાડ ઊઘડ્યું અને એક સામટો શોર થયોઃ 'બાપુ ! હેઈ બાપુ આવ્યા ! બાપુ આવ્યા ! માલા બાપુ આવ્યા !'

પાંચેય છોકરાં દોડીને બાપને બાઝી પડ્યાં. ખભે, માથે, કમર, હાથે, ટીંગાઈ વળીને બાપાને ભોંય પર બેસાડ્યા, સુવાડ્યા, ને પછી નાનાં બાળકોએ બાપાના શરીર પર ઘોડો પલાણ્યો.

મહેમાન સ્ત્રી એકી ટશે આ દ્રશ્ય જોતી ત્યાં ને ત્યાં સ્તબ્ધ બની