પૃષ્ઠ:Pratimao.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
28
પ્રતિમાઓ
 

નહિ મરવા દઉં. લઈ આવો તો!”

‘હું નહીં મરવા દઉં !' એ અવાજના ભણકાર સાંભળતો પુરુષ મેડી પર ગયો. પોતાના લખવાના મેજ પર નજર કરતાં જ એનું પાશેર લોહી શોષાઈ ગયું. ટેબલ પર છોકરાંનાં હાથીઘોડાંનાં રમકડાં પડ્યાં છે: શાહીનો ખડિયો ઊંધો વળ્યો છે. હોલ્ડરોની ટાંકોને બદલે પૂંછડીઓ શાહીમાં બોળીબોળીને બાળકોએ બલાડાં ચીતર્યાં છે અને પોતાની સાત વર્ષોથી લખાતી એક નવલકથાની હસ્તપ્રત ઉપર એક મોટી કાતર પડી છે. કાતરને ઉપાડી અંદરથી પહેલું પાનું ઉપાડ્યું તો તેના ઉપર કોતરકામ થયેલું દીઠું: કાતરથી કાપેલાં કરકરિયાં, ફૂલો, ગધાડાં વગેરે વગેરે.

પુરુષનો શ્વાસ નીચે બેસી ગયો. થોડી વાર લમણે હાથ દઈને એ થંભી ગયો. પછી એ હસ્તપ્રત લઈને નીચે આવ્યો. પોતાની પત્ની પાછી આવીને બેઠેલી તેને બતાવીને કહ્યું: “આ દશા થાય છે ને?”

સ્ત્રીનું મોં પડી ગયું. એણે પાસે જઈ જોઈને અફસોસ બતાવ્યો: “લે અરર, આ ક્યારે કર્યું, પીટ્યાં –"

"કંઈ નહીં, કંઈ નહીં,” મહેમાન વચ્ચે પડી. “લો, કંઈક નવા પ્રકરણમાંથી વાંચી સંભળાવો જોઉં.”

બત્તી તેજ કરીને પુરુષે વાંચવાની શરૂઆત કરી ત્યાં તો ફરી પાછી રસોડામાં ધીંગામસ્તી મચી પડી. પુરુષનો ચહેરો ચિડાયા જેવો બની ગયો. એ પાનાં મૂકી દેવા જાય છે ત્યાં તો પત્ની ઊભી થઈ. “રહો, હું એ પાંચેય નખેદિયાને પથારી ભેગાં કરી આવું.” એમ કહી કંઈક હસતી ને કંઈક ગ્લાનિભરી એ પાછી ત્યાંથી દોડી ગઈ. પતિએ પોતાની નવલકથાનાં નવાં પ્રકરણો વાંચવા માંડ્યાં. એ વાચનની શાંતિને અખંડિત રાખવા સારુ મેડી ઉપર ઓરડાનાં બંધ દ્વારની પછવાડે બેઠી બેઠી માં એક પછી એક પાંચેય બચ્ચાંને પંપાળતી, ધમકાવતી, 'પ્રભાતે ખાઉખાઉ' ની લાલચ દેતી ધીરે સ્વરે વાર્તા કહેતી ઉંઘાડી રહી હતી. કેવાં ડાહ્યાં ! મારાં પાંચેય બચડિયાં કેવાં ડાહ્યાં ! પોતાના બાપુની શાંતિ ખાતર જલદી જલદી સૂઈ ગયાં,’ એવું ગણગણતી એ પ્રત્યેક બાળકને ચૂમતી હતી. પ્રત્યેકના વાળમાં આંગળીઓ