પૃષ્ઠ:Pratimao.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
40
પ્રતિમાઓ
 

નવખંડપૃથ્વીના વિજય જેવડો ગર્વ ધારણ કરી રહ્યો. જ્યાં ઊભી હતી ત્યાંથી હાલવાચાલવાનું મન એને નહોતું થતું.

છોકરાંએ સાંભળ્યું તો હતું જ કે બાપુ દેશના એક મહાન પુરુષ બન્યા છે. આજ એ મહાન પુરુષને પોતાના સગા બાપ તરીકે મળવા આવ્યો નિહાળી છોકરાંએ ઊંડું ઊંડું અભિમાન અનુભવ્યું. દેશભરના સિંહાસનધર વિદ્વાન પોતાનો પિતા છે એ વાત દસકો વીત્યે બાપને ભેટતાં બાળકોને મન જીવનના મહોત્સવ જેવી હતી.

"બાપુજી!” કીકાએ હાથ પકડયો. “અમારા ઓરડામાં તો ચાલો. કંઈક સરસ બતાવું.”

“હા, હા, ચાલો બાપુ!” કહેતી બબલીએ ભાંડુઓને ચેતાવ્યાં: “હમણાં બાપુજીને કોઈ કહેશો નહીં, હોં! આપણે શું બતાવવાનાં છીએ એ કોઈ ન બોલશો.”

પાંચેય છોકરાં પિતાને બીજા ખંડમાં ઘસડી ગયાં. કીકાએ કબાટમાંથી એક જાડી પહોળી ચિત્રપોથી કાઢી.

“બાપુ, હમણાં આંખો મીંચી જજો, હાં કે?”

બાપે આંખો બીડી, છોકરાંએ પોથી ખુલ્લી કરી. “હવે જુઓ.”

બાપે જોયું. પાને પાને બાપની તસવીરોઃ તસવીરોની નીચે પિતાના માન-સમારંભોના છાપામાં છપાયેલા અહેવાલોની કાપલીઓ ચોડેલી: દસ વર્ષોના પોતાના દિગ્વિજયનો ઇતિહાસઃ છોકરાંએ પિતાનો પરિચય આ રીતે જીવતો રાખ્યો હતો.

"બાપુજી!” કીકાએ હસીહસીને કહ્યું: “બા તો આ આલ્બમ જોઈ જોઈ રડયા જ કરતી.”

પાછાં બધાં બહાર આવ્યાં.

સમજણાં બાળકો ધીમે ધીમે ઘર બહાર ગયાં. વર વહુ બે જ ઘરમાં ઊભાં રહ્યાં. પત્ની પોતાના તમામ ભાવોને શમાવીને સ્થિર રહી. પણ પતિ પૂરેપૂરો પાસે ન આવ્યો. થોડે અંતરે ઊભાં ઊભાં એણે વિસ્મય બતાવી પૂછ્યું: “મેં તો તારો પત્તો મેળવવા બહુ બહુ પ્રયત્નો કર્યા પણ કોઈ તારી