પૃષ્ઠ:Pratimao.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આખરે
43
 


મોટા પુત્રને બાએ પૂછ્યું: “આ છોકરા સાચી વાત કરે છે?"

“હા જ તો, બા !" મોટાએ ખાતરી આપી: “કાલે સવારમાં જ બાપુ અમને તેડવા આવશે. એણે અમને તૈયાર થઈ રહેવા કહ્યું છે.”

આખી રાત હર્ષઘેલાં છોકરાં ઊંધ્યાં નહીં પોતપોતાની નાની નાની એકએક ટ્રંક ભરવા લાગ્યા. તેઓના વાર્તાલાપમાં, બાપુ અને 'રાણી' શબ્દ પ્રત્યેકને કઠે વારંવાર ગહેકતો હતો.

માતાય જાગતી પડી રહીઃ પણ કારણ જુદું હતું.

વહેલી સવારે સહુની સંગાથે માએ જ્યારે નાના કીકાને પણ 'મારાં બૂટ, મોજાં, આ રમકડાં સાથે લેવાં છે', એવી વિદાયની તૈયારી કરતો દીઠો, ને જ્યારે માને ચોખ્ખી પ્રતીતિ થઈ કે આ તો સ્વપ્ન નથી, કઠોર સત્ય છે, ત્યારે એણે કીકાને જુદો તારવીને કહ્યું: “કીકા, બેટા, બીજાં છો જતાં. તું અહીં મારી પાસે જ રહેજે, હો!”

સાંભળતાં જ કીકાએ બરાડા માંડ્યા. હાથપગ પછાડી ઊઠ્યો. છાતીફટ રડવા લાગ્યોઃ “નહીં, મારે જવું જ છે, જવું જ છે, જવું જ છે.”

“પણ બેટા, મારા દા'ડા શે ખૂટે?” મા કરગરી.

“ન ખૂટે તો હું શું કરું એમાં?" કીકાએ ડૂસકાં ભરતાં જવાબ દીધો.

“હા, હા, કીકા !” બીજાં ચારેય કહેવા લાગ્યાં: “તારે તો બાની કને રહેવું જ જોઈએ ને? બાના દા'ડા શું ખૂટે ?”

"હં... એમ કરીને તમારે જતાં રહેવું છે; બાના દાડા ન ખૂટે તો અમે શું કરીએ?” કીકાના રુદને જોર પકડ્યું.

ત્યાં તો મોટરનું ભૂંગળું ગાજ્યું. પિતાએ પ્રવેશ કર્યો.

"બાપુ આવ્યા ! બાપુ આવ્યા !” કહેતાં બાળકો અને બાઝી પડ્યાં. "કેટલા વખતથી અમે બારીમાં વાટ જોઈ રહ્યાં હતાં, બાપુ ! તમારું ઘડિયાળ બહુ જ પાછળ હશે.”

"ના બચ્ચાં ! બરાબર વખતે હું આવ્યો છું. તમે તૈયાર છો?"

"હા, અમે સૌ તૈયાર છીએ, ફક્ત કીકો રડે છે.”

“કેમ?"