પૃષ્ઠ:Pratimao.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુત્રનો ખૂની
53
 

વિસ્મયમાં પડી ગયો. કુમારિકાની અને યુવાનની આંખો વચ્ચે વિસ્મયના દોર બંધાઈ ગયા હતા.

“બાપુજી, આમણે આજે વોલ્ટરની ખાંભી ખોળવા માટે ઘોરખોદુને દસ રૂપિયા દીધા. ખાંભી પર ફૂલો ચડાવ્યાં. ને હું ગઈ ત્યારે એ બંદગી કરતા ત્યાં ઊભા હતા. રડતા હતા.”

વૃદ્ધનાં ભવાં નીચાં નમ્યાં. એની આંખોમાં અમૃત છવાયું. એણે. યુવકને ખભે હાથ મૂકીને પૂછ્યું: “તું કોણ છે? તું મારા વૉલ્ટરને ઓળખતો હતો? એને દીઠો હતો?”

યુવાને હકાર સૂચવતું ડોકું ધીરે ધીરે હલાવ્યું.

"ખરેખર?” ડોસો હર્ષઘેલો થવા લાગ્યો.

"ખરે જ શું તમે એને ઓળખતા હતા ?" છોકરીનાં નેત્રો કાકલૂદી કરતાં તાકી રહ્યાં.

"ચાલો ચાલો, ઘરમાં ચાલો.” એમ કહી વૃદ્ધે આ યુવાનને બથમાં ઝાલી અંદર ઉપાડ્યો. “કયાં છે તું? અહીં આવ.” એમ કહી એણે પોતાની વૃદ્ધ પત્નીને બોલાવી. “આમ તો જો ! આ જુવાન આપણા વૉલ્ટરને ઓળખતા હતા. એ અહીં વૉલ્ટરની કબર પર હાર ચડાવવા આવેલ છે. સાભળ્યું હો-હો-હો-હો!”

ડોસી પણ એની ઝાંખી પડેલી આંખો ઉપર હાથની છાજલી કરીને તાકી રહી: “તે હેં માડી, તેં મારા વૉલ્ટરને દીઠો હતો? તું એને ઓળખતો હતો? હેં, મારા બાપ!”

“આવ, આવ ! આંહીં બેસ તો ખરો, ભાઈ !” એમ કહીને ડોસાએ પરોણાને સુંવાળા સોફા ઉપર બેસાર્યો, ને એની બેઉ બાજુ બુઢ્ઢો-બુઢ્ઢી બેઠાં, યુવતી એની સામે ઊભી રહી. મહેમાનને ખભે હાથ મૂકીને એને પંપાળતાં પંપાળતાં ડોસા પૂછવા લાગ્યાઃ “તેં એને છેલ્લો ક્યાં દીઠેલો? હેં ભાઈ, કહે તો ખરો, છેલ્લો ક્યાં દીઠેલો ?”

“સંગ્રામ ક્ષેત્રમાં. ખાઈઓના મોરચામાં.”

“એ...મ? આહાહા! ને ત્યાં એ મજામાં હતો કે ?"