પૃષ્ઠ:Pratimao.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
56
પ્રતિમાઓ
 

બુઢ્ઢા દાક્તરે આસન લઈને ત્યાં બેઠેલ દોસ્તોનાં માથાં ગણ્યાં: એક બે ત્રણ... નવ.

“છોકરા !” એણે નોકરને હાક મારી. “નવ કટોરા શરબત લાવ.”

"આઠ જ મગાવજો ને, દાક્તર!” એક ભાઈબંધે એ મૂંગી બેઠેલ ટોળીમાંથી પોતાના પ્યાલો ન મગાવવાની ખાતર સૂચના કરી.

“વારુ! છોકરા, આઠ કટોરા શરબત લાવ!”

ભોળિયા દાક્તરને ખાસ કશો વહેમ હજુ નથી પડ્યો, ત્યાં તો બીજા એકે પણ રાજીનામું પોકાર્યું: “દાક્તર સાહેબ, સાત જ મગાવજો ને ! નાહક બગડશે.”

હવે દાક્તર સાવધાન બન્યા. મામલો કળી ગયા. ધીરી ધીરીને, ટીકીટીકીને, નીરખીનીરખીને એણે એ આઠ જણાના મૂંગા, ચડેલા ચહેરાની રેખાઓ તપાસી અને પછી ક્લબના છોકરાને હુકમ દીધો: “હં... છોકરા. એક જ કટોરો શરબત લાવ.”

આઠેય જણાનો ઘા ખાલી ગયો. એકે વાત ઉચ્ચારીઃ “દુશ્મન દેશના છોકરાને ઘરમાં સંઘરવાનો શો સબબ છે, દાક્તર?”

બીજાએ ટાપસી પૂરીઃ “શત્રુઓના જાસૂસોને ઠીક સરળતા કરી આપવામાં આવે છે. મારા જુવાનજોધ દીકરાને એ દુષ્ટોએ જ રેં'સી નાખ્યો.”

“અને મારા બે પુત્રોને મારનાર પણ એ જ શયતાનો છે.”

"મારો એકનો એક દીકરો તેઓએ જ હણ્યો.”

આમ એક પછી એક બુઢ્ઢો એ મેજ ઉપર પોતાના દિલની આહ ઠાલવતો તેમ જ કટ્ટર વૈર પુકારતો ગયો. અને એકે ઉમેર્યું: “આપણા આટઆટલા પુત્રોની હત્યા કરનાર એ ફ્રેન્ચોને દાક્તર આશરો આપે છે. પોતાની દીકરા-વહુને એ અસુરની બગલમાં હાથ નાખી ફરવા-હરવા આપે છે."

"અરે ભાઈ, કોને ખબર છે, દાક્તર તો કાલે બેઉનાં લગ્ન સુધ્ધાં કરી આપશે.”