પૃષ્ઠ:Pratimao.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુત્રનો ખૂની
57
 


"ને છતાં શું દાક્તરની સાથે આપણી પ્રજા વ્યવહાર ચાલુ રાખશે? આપણી તે કંઈ સૂધબૂધ ઠેકાણે છે કે નહીં!”

"ઓ હો હો હો!” દાક્તરનો ઉગ્ર, હાસ્યમિશ્રિત, કરવત સરખો સ્વર નીકળ્યો: “શરબતના કટોરા ન સ્વીકારવાનું કારણ તો આ પેટશૂળ છે, એમ કે? મને એ ખબર નહીં. હું આવડો મોટો દેશદ્રોહી છું એ મને અત્યારે જ ભાન થયું. રહો, સબૂર કરો.”

એટલું કહીને એની કરડી આંખોએ ફરી એક વાર સહુને નિહાળી લીધા. માપી જોયા. પછી અક્કેકની સામે આંગળી બતાવીને એ બોલ્યાઃ

“તારા દીકરાને, તારા બે દીકરાને, તારા એકના એક દીકરાને, તારા જમાઈને - અને યાદ છે ને? – મારા પણ એકના એક પુત્રને, તમામને, ફ્રેન્ચોએ સંહાર્યા છે. વારુ ! ભાઈસાહેબો ! તમારી માફક હું પણ આજ સુધી એ આખી પ્રજાને જ જલ્લાદ ગણી મારા અંતરના ઘોર અભિશાપ પોકારતો હતો. પ્રભાતે પ્રભાતે હું વૈરની ઝોળીમાં ઘી હોમતો હતો. એકેએક ફ્રેન્ચ મારી દ્રષ્ટિમાં મારા પુત્રનો ખૂની હતો. પણ આજ? આજ મને સત્યનું દર્શન થયું છે. કહો મને જવાબ આપો, આ કતલ થયેલા આપણા પુત્રોને રેંસનાર તો પેલા ફ્રેન્ચ, પણ એને એ કતલખાને મોકલનાર કોણ? આપણે સહુ આપણે પોતે, વારુ ! પૂછો તમારા આત્માને. આપણે શા સારુ આપણા પુત્રોને ત્યાં મોકલ્યા? પારકા ઘરના લાડકવાયા છોકરાઓની મહોબત કરવા? કે હત્યા કરવા? આપણે બુઢ્ઢા કેમ ન ગયા? આપણે લડવા-સંહારવા સશક્ત નહોતા માટે જ કે? ને આપણે ઘેર બેસીને શું કર્યું, ભાઈ? આપણે લડી ન શકયા, પણ ધિક્કારી તો શકતા હતા ! આપણાં હૈયાંની હિંસાવૃત્તિ શું કમ હતી? આપણા બે હજાર બચ્ચાની કતલ થયાના ખબર ત્યાં પહોંચે ત્યારે તેઓ ધજાપતાકા ફરકાવીને વિજયોત્સવ કરે, તો શું તેઓના બે હજાર પુત્રો આપણા પુત્રોને હાથે ખલ્લાસ થયાના ખબરનું ઉજવણું કરવામાં આપણે કંઈ ઓછા ઊતરતા'તા? બોલો, બોલો, પોતપોતાનાં અંતર તપાસો.”

આઠેય જણાનાં મોં સિવાઈ ગયાં હતાં. તેઓનાં માથા ઢળેલાં હતાં.