પૃષ્ઠ:Pratimao.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રતિમાઓ
62
 

હૃદયમાં પુરાઈ રહેશે. એ હવે તમારા કબજાની વાત નથી. ખબરદાર હવે એનો ઉચ્ચાર સુધ્ધાં કર્યો છે તો.”

યુવકની લાગણીમાં કેટલા કેટલા સામટા મનોભાવ રમતા હતા તે કહેવું કઠિન હતું. એને કોઈ જાણે અપરૂપ અસત્ય સૃષ્ટિમાં ખેંચી જતું હતું.

ડોસો આવ્યો. એના હાથમાં મૃત પુત્રનું પ્યારું ઇસરાજ હતું. ઈસરાજ લઈને નીરવ પગલે ચૂપચાપ જીભે એ અતિથિની પાસે ગયો. બે હાથોમાં તેડેલું બાળક સુપરત કરતો હોય તે રીતે એણે ઈસરાજ એની સામે ધર્યું. 'લઈ લે': એ યાચના એની આંખોમાં હતી.

ગભરાટમાં ઘેરાઈ ગયેલા પરોણાએ વાજિંત્રને હાથમાં લીધું. તરત જ વૃદ્ધ એની સામે કામઠી ધરી.

'લઈ લે ! લઈ લે !' એવી મૂક વાણી ઉચ્ચારતી પેલી બે કોમળ આંખો પણ પાસે જ બેઠી હતી.

યુવકે યંત્રવત્ કામઠી ઝાલી. બુઢ્ઢાાના મોં પર દીપ્તિ ખીલતી જતી હતી. હજુ એનાં નેત્રો ત્યાં ને ત્યાં જ યાચના કરતાં ઠર્યા હતાં. એ કોઈ ભિક્ષુક જેવો ઊભો જ રહ્યો.

યુવકે ઇસરાજને ડાબી બાજુની છાતી કે જ્યાં હૃદયનું સ્થાન કહેવાય છે સાથે ટેકવીને આંગળીઓનાં ટેરવાં તાર ઉપર ફેરવી જોયાં. એના જમણા હાથે કામઠીને તાર ઉપર ઘસી. એની આંખો વૃદ્ધના મોં પરથી ઊતરીને ઈસરાજ પર એકાગ્ર બની. સૂરો નીકળ્યા, ને એને આશા, શ્રદ્ધા આવી ગઈ. ગીત વહેવા લાગ્યું.

'હાશ !' એવા શાંત ઉચ્ચાર સાથે વૃદ્ધ સોફા પર બેસી ગયો. ડોસીએ પણ મૂંગાં મૂંગાં એની બાજુમાં આસન લીધું. જેમ જેમ ઇસરાજ બજતું ગયું, ને જૂના પરિચિત સૂર નીકળતા ગયા તેમ તેમ બેઉ બુઢ્ઢાાંની આંખો મીંચાઈ. એ સુખસમાધિ સ્થિર બની ગઈ.

કન્યા હજુ યુવકની કને બેઠી હતી. ઇસરાજના સૂર હવે પૂરા તોરથી પ્રવાહબદ્ધ બની ગયા હતા. યુવતી ધીરે ધીરે ઊઠી. સામી દીવાલે પહોંચી. ત્યાં પોતાનો પિયાનો પડ્યો હતો. ચાવી ચડાવીને એણે પિયાનો ખોલ્યો.