પૃષ્ઠ:Pratimao.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
68
પ્રતિમાઓ
 

સરિયામ રસ્તા પર બેઉ મળ્યાં. ઊભાં રહ્યાં. ‘એક પળ મોડું' થયું હતું તે દિવસ બન્નેએ યાદ કર્યો.

“મેં તો પછી પરણી લીધું. મારે ઘેર બે બચ્ચાં પણ છે.” પુરુષે પુરુષાતન પ્રગટ કર્યું. “તું શું કરે છે?”

"અહીં ચાકરી કરવા આવી છું. હું તો હતી તેની તે જ છું. તને મારા જીવતરમાંથી બહાર કાઢી નથી શકી.”

"ક્યાં જઈશ ?"

"તારી પછવાડે પછવાડે.”

“પણ હું તો પરણ્યો છું.”

“તેથી મારે શો વાંધો છે?”

રાજનગરની અંદર એક દૂરદૂરના લત્તામાં અજાણ્યા પાડોશની અંદર કિરણને સારુ એક ફલેટ ભાડે રાખીને યુવકે પોતાની માશૂકને ત્યાં પિંજરમાં પૂરી. પોતે કાકાની બૅન્કમાં દિન-પર-દિન ઊંચી પાયરીએ ચઢતો જતો હતો. આબરૂદાર સમાજમાં ઊંચો દરજ્જો ભોગવતો હતો. બૅન્કના કામમાંથી, કુટુંબની જંજાળમાંથી, સમાજના વિનોદો અને વ્યવહારમાંથી જ્યારે જૂજ કંઈક ફુરસદ મળે ત્યારે જગતની નજર ચુકાવીને એ ધનાઢ્ય જુવાન આ અજાણી પોળના નિવાસમાં દાખલ થતો. કોઈ ન જાણે તેવી રીતે પાછો સરકી જતો. આવતો હતો અનેક વાર, પણ ઉઘાડા પડી જવાની ધાસ્તી એને છોડતી નહોતી. થોડો વખત ગાળ્યા પછી મારે હજુ ઘણું કામ છે? એ ઉચ્ચારો સાથે છૂપી વિદાય લઈને એ ચાલ્યો જતો.

આમ ઘણુંખરું કિરણ એકલી જ રહેતી. ઘરમાં એને કોઈ શોભાશણગાર નહોતાં. હતી ફક્ત પોતાના પ્રેમીની એક છબી એની સામે જોતી બેસતી. રાહ જોયા કરવી એ જ એનો એક વ્યવસાય થઈ પડ્યો. કદી દરરોજ, કદી બે દહાડે, કદી એથી પણ વધુ આંતરે પ્રેમીનું આવવું થતું. એટલે એ ઘરમાં કિરણનો દુઃખબંધુ એક ટેલિફોન જ હતો. પાડોશમાં કોઈ સાથે એ બેસતા-ઊઠતી નહોતી. કેમકે પૂછપરછમાં એને પકડાઈ જવાનો ભય હતો.