પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
પુરાતન જ્યોત
 

હું તો આવ્યો છું આપા શાદુળ ભગતની ખ્યાતિ ઉપર મોહાઈને. મેં સાંભળ્યું કે શાદુળ ભગત તો ભજનો ગાતા ગાતા - ઢોલિયા ભાંગે છે. એવા ભક્તિરસમાં ચકચૂર બનેલા પુરુષને મારે એના અસલ સ્વરૂપે નીરખવા છે.”

સંત દેવીદાસે સામા હાથ જોડીને જવાબ દીધો: “હું તો જાનવર ગણાઉં. મને રબારીને ભક્તિરસના મર્મો ક્યાંથી સમજાય? પણ શાદુળ ભગતને મારી કોઈ વાતે ના નથી. આપ સરીખા એનું નામ સાંભળીને આવ્યા, તો ખેર ! મારી તો જગ્યા પાવન થઈ. શાદુળને દિલ ચહાય તે કરવાની રજા છે.”

તે જ દિવસે રાતે સમૈયો રચાયો. ઝાંઝ, પખવાજ અને કરતાલ-મંજીરાની ઝૂક મચી ગઈ. જોબનજોદ્ધ શાદુળ કરતાલ વીંઝતો ઢોલિયા પર ચડ્યો. દાના ભગતે એને રંગ દીધા.

અમરબાઈ તે વખતે પીતિયાંઓની સારવારમાં પરોવાઈ ગયાં હતાં. રોગીઓના સૂતા પછી સંત દેવીદાસ અમરબાઈને રોગીઓના નાવણધોવણની તેમ જ બીજી કેટલીક ઔષધિઓની, વગડાના કેટલાએક ઉપચારોની સૂચનાઓ દઈ રહ્યા હતા.

"બેટા બોન,” એમણે છેલ્લી વાત કહી, "કોઈ કીમિયો, કોઈ ચમત્કાર, કોઈ પણ પરચો હું જાણતો નથી. તનેય આટલું જ કહેવાનું છે કે સુગાઈશ નહીં. દેહની બહાર દેખાતા તમામ રોગ પ્રત્યેક દેહની અંદર પડેલા જ છે. માનવીને તો રૂંવે રૂંવે રોગ છે. કોઈકને બહાર તો કોઈકને માંયલી બાજુ. સુગાઈશ નહીં. ને બીજું, રોગીના રોગ તો ઉતારી ઉતારીનેય આપણે પહેરવાના છે. પારકી બદબોઈને ખુચબો બનાવવી હશે, તો બદબોઈને આપણે આપણામાં જ સંઘરી લેવી પડશે. હવે હું જાઉં છું સમૈયામાં બેટા ! અતિથિધર્મ તો સાચવવા રહ્યો છે ને !”