પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૧૦૯
 કલે કલે તારી કૂંચી
પરબુંના પીર ! કલે કલે તારી કૂંચી.
પાંચ તતવનો બંગલો બનાવ્યો
બારી મેલી છે ઊંચી
પરબુંના પીર, કલે કલે તારી કૂંચી.

અઢાર વરણ જમે એકઠા.
ત્યાં જાત વરણ નૈ નીચી
પરબુંના પીર, કલે કલે તારી કૂંચી.

સવરા મંડપમાં મારો સતગરુ બેઠા
ત્યાં ચાર જગની વાત પૂછી
પરબુંના પીર, કલે કલે તારી કૂંચી.

દેવંગી પરતાપે પીર શાદળ બોલ્યા
જાતી વૈકુંઠની વાત પૂછી
પરબુંના પીર, કલે કલે તારી કૂંચી.

ભજન પૂરું કરીને શાદુળ ભગતે પોતાનું ખોળિયું છોડી દીધું.

આજે જસા વોળદાનની અને દેવીદાસ, અમરબાઈની મળી ચાર કબરો જે દેરીમાં છે, તે દેરીના ઉંબર બહાર અણઘડ કાળો પથ્થર છે. એ પથ્થરની નીચે સૂતેલું શાદુળ ખુમાણનું શબ. શાદુળનું કલેજું ત્યાંના જાત્રાળુઓની ચરણરજને ચૂમતું બેઠું છે. કેટલા ચરણને એણે ચૂમ્યા હશે આજ સુધીમાં ? દોઢ સૈકો થઈ ગયો. અષાઢી બીજના અનેક મેળા ભરાણા. ભજનકીર્તનના સમૈયાનો પાર નહીં રહ્યો હોય. શાદુળ ભગત ને પછી તો ત્યાં અમરી માતા, અમૂલાંબાઈ, મા હીરબાઈ અને ગંગદાસજી સમાયાં. સાંઈ સેલાનીશાએ,

રતન જેવી આંખડિયાં મિલી
મે દીવડિયાં કાં બાળો !