પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
પુરાતન જ્યોત
 



કાયા માયાનો તમે ગરવ ન કરજો
આંઈ તો રેવાનું છે કૂડ;
મેકણ કાપડી એણી વિષે બોલ્યા રે,
જાવું છે પાણીહંદે પુર—
એ આવે ! આ તો મળીએ જી.

સંત મેકરણનો રાગ સૂરીલો નહોતો. એ ગાતા ત્યારે બરાડા જેવું લાગતું. એક કુંભાર ત્યાં દેડ્યો આવે. જોઈને પાછો વળ્યો.

"કેમ ભાઈ !" મેકરણે પૂછ્યું.

"કાંઈ નહીં ડાડા !”

"ના, ના કહો તો ખરા.”

"ઈ તો મારો ગધેડો ખોવાણો'તો, તે ગોત કરવા નીકળેલ છું ડાડા !”

મેકરણ સમજી ગયા. પોતાનો સૂર ગધેડા જેવો છે ! થોડી વાર દુઃખ પામ્યા. પણ પછી એકાએક મસ્તીમાં આવી જઈને પૂરી ખુમારીભરી સાખી લલકારી :



ન જાણું રાગ ન રાગણી,
ઈ તો રઢજાં રડાં;
હકડો રીજાવું નાથ કે
બ્યાને પેદારસેં હણાં.

“રાગ અને રાગિણીઓ હું નથી જાણતો. ગાનાર તો ગાડર(ઘેટાં)ની જેમ આરડે છે. ભલે ભાંભરડા દેતા. મારે કાંઈ મનુષ્યને રીઝવવાં નથી. હું તો ફક્ત એક ઈશ્વરને રીઝવવા ચાહું છું. બીજાને તે હું જોડે જોડે મારું.”

ને આ સૂરીલા ગાનારાઓ કેવા છે?



ઝાંઝકૂટા અને પેટમૂઠા,
ઝિઝયું ડિયેંતા ધાઉં,
ઠાકર ચેતો ઈની પોઓ
મુઠે અઈયાં આઉં.