પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જેસલ જગનો ચોરટો
૧૮૧
 

હવે સવારે ઊઘડશે. એટલે તોળલે અલખની આરાધના ગાઈ, તાળાં ઊઘડી પડયાં. ઉત્સવમાં પહોંચીને પાટમાં બેઠેલા ભક્ત-સમૂહને કહ્યું: હે ગત્ય-ગંગા ! પ્રણામ કરું છું. સમુદાયે પૂછયું : હે સતી, જેસલજી ક્યાં ? હે ગત્ય-ગંગા ! જેસલજીને ઘેર કામ હતાં. પછી તોળલે જોયું કે પાટની જ્યોત ઝાંખી ઝાંખી બળવા લાગી. હે ભાઈ ! જ્યોત ઝંખવાય છે કેમ ? જવાબ મળ્યો, હે સતી ! તમે તો ચતુર સુજાણ છો. સમજી જાઓ. અંજારમાં જેસલજી સ્વર્ગપ્રયાણ કરી ગયા ! તોાળલે તુરત પાટને વધાવી લઈ ફરી વેલ્ય સજ્જ કરાવી. માર માર વેગે રાતોરાત પંથ કાપી પ્રભાતે અંજાર પહોંચ્યાં. ગામનાં ઝાડપાંદ ઝાંખાં જોયાં. મંદિરમાળિયાં નિસ્તેજ દીઠાં. સીમના ગોવાળને પૂછયું : હે વીરા ! જેસલજીને સમાત લીધે કેટલો કાળ થયો ? હે સતી ! ચોથો દિવસ થયોા. હાય રે હા હા ! પૃથ્વી માતા ! મારગ દ્યો, મારે ને એને છેટું પડી ગયું.]

થાનકમાં પહોંચી. માણસો ચુપચાપ ઊભા હતા. જેસલજી નહોતા. કોઈને પૂછી ના શકી કે જેસલ ક્યાં છે. તાજી પૂરેલ સમાધ દીઠી. સમાધને કાંઠે અબીલગુલાલ ને લોબાનના ધૂપ દીઠા. કેટલાય લોકોની આંખોમાંથી પાણી પડતાં હતાં. જેસલે લીધેલી એ સમાધ હતી.

પછી ધૈર્ય ધરીને પોતે ઊભાં રહ્યાં. સેવકોને કહ્યું :

“તંબૂરો લાવો. મંજીરા લાવો.”

હાથમાં એકતારો ઈને તોાળલ ઊભી થઈ સમાધ ફરતી પ્રદક્ષિણા કરતી, નૃત્ય કરતી, બજાવતી એ ગાવા લાગી : જાગો ! ઓ જાડેજા જેસલ ! તમારાં આપેલાં – સાથે સમાત લેવાનાં વચન સંભારીને વહેલા જાગો, વચનને ચૂકનાર માનવીને મુક્તિ નહીં મળે, ચોરાશીના ફેરામાં ભટકવું પડશે ! જાગો જતિ! જાગો ! –