પૃષ્ઠ:Puratan Jyot.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૫૩
 

પ્રયત્ન કર્યો, પણ માથું નીકળી પડતું હતું. નસો ખેંચાતી હતી. બાલોશિયાની નીચે માથાને દાટીને એ વેદના સહતો હતો. જાણે જીવતો સળગતો હતો. વધારામાં એણે બહાર વાર આવી સાંભળી. એને પોતાનું મોત છેલ્લી છલંગો ભરતું દેખાયું.

"હમણાં જ તમારા માથાના દુખાવાની દવા લાવું છું.” એટલું બોલીને અમરબાઈએ બારણાં ખોલ્યાં. પાછાં ધીરેથી બંધ કરી બહારથી સાંકળ ચડાવી. સાંકળ ચડી તેનો અવાજ અંદર સૂતેલા પરોણાએ સાંભળ્યો. એને પોતાનાં બૂરાં તકદીરની ખાતરી થઈ ચૂકી.

ઝાંપે જઈને એણે તારોડિયાના પ્રકાશમાં અસવારો માંયલા મુખ્ય અસવારને ઓળખી લીધો.

"સત દેવીદાસ, આપા શાદુળ ખુમાણ !”

"કેમ બાપ અસૂરા આવવું પડ્યું આવી મેઘલી રાતે ?”

"ઓલ્યો અસુર આજ તમારી પાછળ પડ્યો'તો ને ?”

"કોણ?”

"બગેશ્વરવાળો...”

"કોણે કહ્યું? મને તો ખબર નથી ભાઈ !”

“ત્યારે મને શું ખોટા સમાચાર મળ્યા ?” ગામેગામેથી ખેપિયા દોડ્યા'તા કે પરબ-વાવડીવાળી જોગણની વાંસે બગેશ્વરવાળાનાં ઘોડાં છૂટ્યાં છે. એ સાંભળીને જ હું મારતે ઘોડે ભેંસાણથી આવ્યો.

"ના રે ના આપા શાદુળ, કોઈકે બનાવટ કરી, નાહક તમારાં ઘોડાંને તબડ્યાં ! ખમા માડી ! ઊતરશો ?"

“કહો તો ઊતરીએ. જરૂર હોય તો રાતવાસો રહીને જઈએ. બાકી તો દોડાદોડ કરી રહ્યા છીએ દેવીદાસ મહારાજની શોધમાં.”

"કેમ શોધમાં? જૂનાગઢ લઈ ગયા છે ને ?”