પૃષ્ઠ:Purvalap1.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પૂરાં અંગો નહિ કંઈ દીસે, પ્રેમ તો તોય વાધે, જોતાં જોતાં મુખ અવરનું ગાઢ આશ્લેષ સાધે!

પ્રણયની પણ તૃપ્તિ થતી નથી : પ્રણયની અભિલાષ જતી નથી : સમયનું લવ ભાન રહે નહિ : અવધિ અંકુશ સ્નેહ સહે નહિ!

હાવાં રક્ત દ્યુતિ ઊડી જતાં થાય વૃક્ષો સરોષ, હાવાં ઠંડી મૃદુ વહનથી સૂચવે છે પ્રદોષ; આકાશે જ્યાં હતી વિચરતી દેવતાઓ ત્યહીંથી, જાગ્યા પ્રેમી વિરલ સુખની મોહનિદ્રા મહીંથી.

વિરહસંભવને વીસર્યાં હતાં, બની નિરંકુશ બેય ફર્યાં હતાં; જવનિકા ત્રુટતાં સ્મૃતિનાશની, નિકટ મૂર્તિ ઊભી વિધિપાશની!

અનુભવે ન છતાં ક્ષણ એક તે, વિવિશ, મૂઢ, નિરાશ જ છેક તે; સહુ થનાર ક્રમે નજરે વહ્યું, રુદન અંતરમાં ઊછળી રહ્યું!

અંધારાનાં પ્રલયજલથી યામિની પૂર્ણ ઘોર, સ્વેચ્છાના વા કુટિલ કૃતિના મંદ્ર અવ્યક્ત શોર, ઊંડાણોમાં પડી સૂઈ જતો નિષ્ઠુરપ્રાણ કાલઃ આભાસોથી થતું યુગલ ઉન્મત્ત એ સ્નેહબાલ!