પૃષ્ઠ:Purvalap1.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૪. મૃગતૃષ્ણા

જાણી મધ્યાહ્નની વેળા સ્વસ્થાને સહુ જાય છે : અરેરે! કોણ બાલા આ દોડી શ્રમિત થાય છે?

આકાશમાં રવિ અતિશય ઉગ્ર થાય, વાયુ પ્રચંડ અતિ આકર આમ વાય; એવે સમે અરર! આ હરિણી બિચારી, દોડે તૃષા થકી જણાય ગયેલ હારી!

કરે વ્યાકુલ દોડીને, સુકુમાર શરીરને : પ્રયાસ કરીને શોધે, અરેરે! હાય! નીરને!

નાની હજી, નથી અનુભવ કાંઈ એને : પૂછે, કહો, જલ હશે ક્યહીં, એમ કેને? આભાસ જોઈ સઘળા સ્થળમાં ભમે છે, અત્યંત ઉષ્ણ રવિ આતપને ખમે છે,

ધારાગૃહ વિશે બેસી મનુષ્યો હાલ ન્હાય છે : એ સમે, હાય! નિર્દોષ બાલા આ આમ ધાય છે!

આંખો અતિશય પ્રયાસથી લાલ થાય, ને સ્વેદબિંદુ વપુનાં જલદી સુકાય; ચાલે નહિ ચરણ, ઠોકર ખૂબ ખાય, શુદ્ધિ રહે નહિ જ, મૂર્છિત થાય, હાય!