ચંદા : હા. અહિંસાને માર્ગે, પ્રેમને માર્ગે !
રશિયા : એટલે ?
ચંદા : બુદ્ધે અને ગાંધીએ બતાવેલા માર્ગે ! જેમાં હિંસા નહિ, યુદ્ધ નહિ અને શસ્ત્ર નહિ.
રશિયા : એ હિંદનો રસ્તો? પેલું ધાર્મિક ધતિંગ...ઈશ્વર ઉપર આસ્થા...અંતરનો અવાજ...હૃદયપલટો...એ બધું ને?
અમેરિકા : સુધરેલાં રાષ્ટ્રો-- સુધરેલી પ્રજાઓ એ અનૈતિહાસક મધ્યકાલીન અશાસ્ત્રીય માર્ગે કદી પાછાં ડગ ધરે જ નહિ.
ચંદા : હજી તો એ માર્ગને ઐતિહાસિક બનાવવાનો છે, અદ્યતન અને ભાવિનો પ્રકાશ એને બનાવવાનો છે. અશાસ્ત્રીય તો... જે હિંસામાં ધકેલે એ બધું જ અશાસ્ત્રીય !
રશિયા : અમે ક્યાં અમારે હાથે હિંસાને નોતરીએ છીએ? અમારા વિરાધીઓ વાપરે એ અમારાં શસ્ત્ર ! અમે સિદ્ધિમાં માનીએ, સાધનમાં નહિ.
અમેરિકા : અમારો પરોપકાર તો અમને ચાર મુક્તિની સિદ્ધિ તરફ લઈ જાય છે...
રશિયા : ઓહો ! ધર્મનો અંચળો હજી અમેરિકાને ઓઢવો છે?... આખી છેતરપિંડીની કળાનો ઈજારો રાખનાર, ઓ બહેન! એ કઈ તારી ચાર મુક્તિ?
અમેરિકા : એ સાંભળીશ તો તું તારો નાસ્તિકવાદ છોડી દઈશ. હું માનવજાતને ચાર મુક્તિઓ અપાવવા સજ્જ બની રહી છું...
બ્રિટાનિયા : અને તેમાં મારી સંપૂર્ણ સામેલગીરી છે... એક તો માનવજાતની ગરીબીમાંથી મુક્તિ ! પૃથ્વીના પડ ઉપર કોઈ માનવી ભૂખ્યોતરસ્યો ન રહે એ અમારી પ્રથમ મુક્તિયોજના.
ચંદા : માટે અમેરિકા અમને ભૂખ્યાંને અનાજ આપતાં ટળવળાવે છે અને વધારાના ઘઉં દરિયામાં ફેંકી દે છે, એમ?
અમેરિકા : સ્વાતંત્ર્ય મળ્યા પછી મૂંગી ભારતીની જીભ વધી ગઈ લાગે છે... પૂરું સાંભળ તો ખરી?