પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૩

સોમનાથના મંદિરમાં


અંગો હશે ! આ દેરૂં તૂટેલું પડ્યું છે છતાં આ બધા રંગરાગ ને ખાનપાન કેમ ? ઘરમાં મડું પડ્યું હોય ત્યાં લાગી આપણે ઉત્સવો ક્યાં કરીએ છીએ ? ત્યારે આ બધું શુ !

'આ કોણે તોડ્યા હે મા ?' એણે માને પૂછ્યું.

'તારા બાપુ જેની સામે ખપી જવા આંહી આવેલા તે પાદશાએ.'

પહેલી જ વાર આ યુવાન પોતાના બાપના મોતનો મહિમા સમજી શક્યો. આજ સુધી એને જયારે જયારે બાપની 'સોમનાથની સખાત'ની વાતો સાંભળેલી ત્યારે બાપના શૂરાતનને એ સમજેલો, પણ હમેશાં મનમાં વિમાસણ પામેલો કે મારા આવા વીર બાપુ, એક જ રાત રહીને આવી મારી મા જેવી માને છોડી દઇ, મારા જેવા બાળકની કલ્પનાને પણ કચરી નાખી કોના સાટુ મોતના મોંમાં ઓરાવા ગયા ? આજ જ્યારે આ સાગરના સંતાન સમા દેરાના શિરચ્છેદનું એણે દર્શન કર્યું, ત્યારે પિતાનો તલસાટ એણે પોતાની અંદર અનુભવ્યો. મારા બાપુ આવા એક જીવતા જાગતા દેવની કતલ આડે ઊભા ઊભા મૂવા હશે. ને આ દેરાનાં છેદાતા અંગોમાં કેવી કાળી બળતરા હાલી હશે ! આ દેરું કેમ હજી તેદુનું માથા વગરના ધડ જેવું ઊભેલ છે ! આ દેરાના પાણકે પાણકાને હું ઠેકાણાસર ગોઠવી દઉં, એક વાર એના સમસ્ત દેહના દિદાર કરી લઉં, એક વાર એના સામે લળી લળી નમણ્યું કરું એવું થાય છે.