પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૫

અનાદર


દેરું તૂટ્યું હતું. ત્રણ ત્રણ વાર તેના ઉપર વિધર્મી પરદેશીઓના પંજા પડયા હતા. તો પણ પુરાતન પરંપરા તૂટી નહોતી. કોઈ ગૌડ બંગાળાની, તો કોઈ મલબારની, કનોજની ને કાશ્મીરની, જયપુરની ને નેપાલની આ ચિરકુમારિકાઓના રૂપરૂપના રાશિઓને પોતાના ઉરમાં સંઘરી રહેલું સોમ-મંદિર સાગરને ખોળે માથું ઢાળીને સૂતેલી વસુંધરાને લાધેલા દૈવી સોણલા સમું બની રહ્યું હતું. કોણ જાતની ને કોણ નાતની, કયા માબાપની ને કયા કુળની આ કુમારિકાઓ હતી ? કોઈને એ જાણવાની જરૂર નહોતી. દેવને વરેલી એ માનવની દુહિતાઓ હતી. કળાની એ પુત્રીઓ હતી. જટાળા જોગંદરો અને વેદ રટતા પુરોહિતોની ઊર્મિઓને ડૂબાવાનારી એ દરિયાઇ વામ્મળો હતી. અસલ તો દશ હજાર જેટલાં ને અત્યારે ઓછામાં ઓછા બે હજાર ગુર્જર ગામડાંની ખંડણી ધરાવતા આ દેવાલયમાં તેમનાં જઠરની ભૂખ ઓલવવાનું રોજ રોજનું જમણ હતું, ને મંદિરના સેવકોની રૂપ રસ ગંધ સ્પર્શની તૃપ્તિ માટે તેમનું યૌવન હતું. સાગરનો સુવિશાળ ઘાટ તેમના નૃત્યગીત પછીના શ્રમને ઉતારવા અગાધ અખૂટ નીલાં પાણીની ઝલકો મારતો હતો. તેમ આ ત્રણસો રૂપની ઝાલકો શંભુના સેંકડો સેવકોનાં અંત:કારણોમાંથી જ્ઞાન, તપ, સંયમતેજના શ્રમને પણ ધીરે ધીરે ઘોતી જતી હતી.

દુર્ગને દરવાજેથી નકીબો પુકારાઈ : 'ખમ્મા ગંગાજળિયાને ! ઘણી ખમ્મા ચંદ્રચૂડના કુળદીપાવણ રા'માંડળિકને. ઝાઝી ખમ્મા ગોહિલ કુમારી સોરઠ-રાણી કુંતાદેને.'

છત્ર દેખાયું, છડીઓ દેખાઈ, ચામરે ઢોળાતી એ રાજજોડલી મલપતી ચાલે આવતી હતી.

'બેટા ! બેટા !' ભીલ માતાએ હર્ષવ્યાકુળ બનીને પુત્રને કાનમાં કહ્યું : 'આવ, આવ, તારી બહેનને જોવી હોય તો.'