પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નાગબાઇ વેદના-સ્વરે જાણે કોઇ ભવિષ્યવાણી બોલતાં હતાં. 'રાજા-રાણી વચ્ચે મેં તો ભારી મનમેળ સાંભળ્યા'તા ને.'

ભેળીઆ (ઓઢણા)ની મથરાવટી કપાળ ઉપર વધુ નીચી ખેંચીને નાગબાઇએ કહ્યું 'નાગાજણ, છોરૂની ઝંખના ઘરધણીના મનનું અમૃત છે, પણ રાજધણીના જીવતરનું હળાહળ ઝેર છે. કુંતાદે રા'નો ફરી વીવા કરાવવા માગે છે એવી વાતનો વશવાસ કોઇ ન કરજો. અસ્ત્રીની ઇચ્છા છે એવું બાનું બહુ જૂનું છે, હમેંશા અપાતું આવ્યું છે, પણ નરાતર ખોટું છે.'

નાગાજણ જવાબ દઇ ન શક્યો.

'ને ભા ! તું આમાં જાળવીને રે'જે. વધુ શું ભણું?'