પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચારણી ધોરી મારગને ઓળંગી સામે ભેડે ચડી તે વખતે જ દરિયાદી દિશામાંથી બે ગાડાંનો ખખડાટ થયો. ચારણી ઊભી રહી. આદમી બૂમો પાડતો રહ્યો કે "હાલો, હવે ઝટ આમ હાલો." પણ ચારણી ખસી નહિ.

ગાડાં નીકળ્યાં, ચારણી ગાડાખેડુને પૂછે તે પહેલાં તો ગાડા ખેડુની વાતો એને કાને પડી.

"અભાગ્ય લાગી તે ઊના દેલવાડાને પાદરેથી નીકળ્યા આપણે કોણ જાણે કેટલી રાત્યું લગણ નજર સામે ને સામે તર્યા કરશે લોહી."

"શેની વાત કરો છો ભાઇ?" ચારણ્યે પૂછ્યું.

"ત્રાગાની."

"કોનું ત્રાગું ? કેવાનું ત્રાગું? કિસેં?"

"ઊનાના દેલવાડાને પાદર, સેંકડું મોઢે ભાટ ભેગા થયા છે, રાજાની સામાં ત્રાગાં માંડ્યાં છે. પણ ઈ તો અકેકારના ત્રાગાં મારી માવડી! કૂણાં કૂણાં છોકરાંના ત્રાગાં."

"ઊભા રો' ઊભા રો !" ચારણીએ રસ્તા આડી ઊભીને ગાડાંને રોક્યાં.

"હવે આમ હાલ્ય, હાલ્ય, વેળા થે ગઇ, હાલ્ય, ચારણ્ય." આઘે ઊભેલો ચારણ હાકલા કરે છે.

સામે જ ઊભેલી ઝાડીમાં બે પાંચ લક્કડખોદ પંખી ઠબ! ઠબ ! ઠબ! લાકડાં પર ચાંચો ટોચે છે. અને લેલાં પક્ષીઓના ઘેરા વળીને એકબીજાંને સામસામાં કોણ જાણે કયા અપરાધનો ઠપકો આપી રહ્યાં છે કે તેં-તેં-તેં-તેં-તેં.