પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ વીસમું

૧૪૦

બોલતી બોલતી ઓરત નીચે જોઈ રહી.

'ઓહોહો ! એ તો પુરાતન બાત !' દરવેશે પોતાની દાઢીમાં આંગળા પસવાર્યાં.

'પુરાતન હશે, પણ મારા કલેજામાં તો એ હજુ ઠંડી નથી થઇ.'

વાળનું ઝાડુ ચાલુ રાખીને જ એ વાત કરતી હતી. એનો અવાજ જાણે કોઇ તંતુ વાદ્યમાંથી આવતો હતો.

દરવેશ પોતાની કલપ દીધેલી ભૂરી દાઢી પસવારતા ચૂપ ઉભા હતા, તે ચૂપકીદીનો લાભ લઇને ઓરત બોલી ગઇ : 'મર્હુમ સુલતાનની નજર પડી, બે બહેનોમાંથી હું વધુ ખુબસૂરત લાગી. બસ, એટલે શું આપને માટે નિર્માએલીને લઇ જઇને એ ખુદાની નજરમાં મારા ખાવીંદ ઠરી ગયા? નહિ, નહિ, મારા ખાવીંદ તો આપ જ છો. મારે ખાતર નહિ તો અમરા ફતીઆને ખાતર હવે આજે આપ મને સ્વીકારી લ્યો. આપ ઘરભંગ છો, ને હું પણ વિધવા છું.'

દરવેશના મોં ઉપર સમતા હતી, પણ અંતરમાં ઊંડો સળવળાટ શરૂ થઇ ગયો હતો. 'હું આવું છું, તમને જવાબ દઇ જાઉં છું' એમ કહીને એ બહાર ચાલ્યા ગયા; ને બીબી મુઘલી પોતાના રેશમી કેશ વડે ઓરડો ઝાડતી રહી. સફેદ વિધવા લેબાસને ઢાંકી રહેલી એ શ્યામ લટોના ચકમાંથી જર જરા દેખાઇ જતું એનું બદન રૂપરૂપના રાશિ ઠાલવી રહ્યું હતું.

'અમ્મા ! અમ્મા !' કરતો એક દસ વર્ષની વયનો, પણ ચૌદ વર્ષનો દેખાતો ભરાવદાર બદનનો બાળક રમીને બહારથી દોડ્યો આવ્યો.

'અમ્મા ! ખાવા દે, નહિતર તને ખાઇ જઈશ હો, એવી ભૂખની આગ લાગી છે અમ્મા !' એમ કરતો એ માને ઢંઢોળવા લાગ્યો.