પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ વીસમું

૧૪૬


સાત જ દિવસ પછી રસુલાબાદમાં અમીર ઉમરાવો અને વઝીરોનું એક મોટું મંડળ દાખલ થયું, ને શાહ આલમના નિવાસ તરફ ચાલ્યું ગયું. લોકોમાં ફાળ પડી : કોઇએ કહ્યું કે સુલતાનના લોકો ફતેહખાનને પકડી જવા આવેલ છે.

એક જણે કહ્યું, બીજાએ સાંભળ્યું , એણે ત્રીજાને કહ્યું, અને અમીર મંડળ હઝરત શાહ આલમના થાનક પર પહોંચે તે પહેલાં તો બીબી મુઘલી ને સમાચાર મળ્યા. એણે ફતેહખાનને છૂપાવી દીધો. એના કલેજામાં ફફડાટ ચાલ્યો.

ઉમરાવ મંડળ અને હઝરત શાહાઅલમની વચ્ચે તે વખતે આમ વાતચીત ચાલી.

શાહ આલમે કહ્યું : ' શું બોલો છો જનાબો ! તમે દાઉદખાનને નવો સુલતન નીમ્યાને તો હજુ દિવસ રોકડા સાત થયા, ત્યાં તમે એને ઉઠાડી પણ મુક્યો?'

'એ નાલાયક છે.' ઉમરાવોએ ઉત્તર દીધો.

'સાત જ દિનોમાં એની નાલાયકીને તમે માપી લીધી?'

'ના હઝરત, એક જ દિવસમાં, એક જ સખૂનમાં.'

'શું થયું?'

'એ નવા સુલ્તાન દાઉદખાને તો હજુ એને તખ્ત પર બેસાર્યો પણ નહોતો ત્યારથી ગૂજરાતના ઉમાદુલ્મુલ્કની (ન્યાયના વડાની ) જગ્યાએ એક પોતાના માનીતા ફરાશને માટે નક્કી કરી તેને છૂપું વચન પણ દઇ દીધું. ગાદી મળી નથી ત્યાં જ જે માણસ આટલી બડાઇ કરે છે, તે ગાદી મળ્યા બાદ હવે શું શું ન કરે? પણ શું કરીએ ? અમને આ વાતની જાણ એની તખ્ત-નશીની પછી થઇ.'